સુપ્રીમ કોર્ટે બુધવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને નિયમિત જામીન મંજૂર કર્યા હતા અને ગોધરાકાંડ પછીના રમખાણોના સાક્ષીઓને પ્રભાવિત ન કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ૧ જુલાઈના આદેશને રદ કર્યો હતો, જેમાં તિસ્તાને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. તિસ્તા પર રમખાણોના કેસમાં નકલી દસ્તાવેજા બનાવવા અને સાક્ષી બનાવવાનો આરોપ છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં તિસ્તા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી.
તિસ્તા સેતલવાડ પર ૨૦૦૨ના ગુજરાત રમખાણોને લગતા કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવાનો આરોપ છે. ગયા વર્ષે ૨૫ જૂને સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. તેને સાત દિવસના પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવી હતી અને ૨ જુલાઈએ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ૨૪ જૂન, ૨૦૨૨ના રોજ ૨૦૦૨ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતી જીં રિપોર્ટ સામેની અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ રમખાણોમાં ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં સહ-અરજી કરનાર તિસ્તાએ ઝાકિયા જાફરીની લાગણીઓ સાથે રમત રમી છે. કોર્ટે તિસ્તાની ભૂમિકાની તપાસ કરવા કહ્યું હતું. આ પછી તિસ્તાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત રમખાણોના કેસમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને ડીજીપી આરબી શ્રીકુમાર સામે બનાવટી દસ્તાવેજા બનાવવાના કાવતરાનો કેસ નોંધ્યો હતો. સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં છે, જ્યારે તિસ્તા અને શ્રીકુમારની ગયા વર્ષે એકસાથે ધરપકડ કરવામાં આવી હતી.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જી-૬ ડબ્બામાં આગ લાગી હતી. આગમાં ૫૯ લોકોના મોત થયા હતા. આ તમામ કાર સેવક હતા, જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. ગોધરાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં ૧,૦૪૪ લોકો માર્યા ગયા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
ગોધરા કાંડના બીજા દિવસે એટલે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદની ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં બેકાબૂ ટોળા દ્વારા ૬૯ લોકોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે, જેઓ આ જ સોસાયટીમાં રહેતા હતા. આ રમખાણોને કારણે રાજ્યમાંસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે ત્રીજા દિવસે સેનાને ઉતારવી પડી હતી. ૬ માર્ચ ૨૦૦૨ના રોજ, ગુજરાત સરકારે ગોધરા ઘટનાની તપાસ માટે નાણાવટી-શાહ કમિશનની રચના કરી. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે જી શાહ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી ટી નાણાવટી તેના સભ્યો બન્યા. કમિશને તેના અહેવાલનો પ્રથમ ભાગ સપ્ટેમ્બર ૨૦૦૮માં સુપરત કર્યો હતો. જેમાં ગોધરાની ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. નરેન્દ્ર મોદી, તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને પણ ક્લીનચીટ આપવામાં આવી હતી.
જસ્ટિસ કેજી શાહનું ૨૦૦૯માં નિધન થયું હતું. આ પછી ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ અક્ષય મહેતા તેના સભ્ય બન્યા અને તેનું નામ નાણાવટી-મહેતા કમિશન પડ્યું. તેણે ડિસેમ્બર ૨૦૧૯માં તેના રિપોર્ટનો બીજા ભાગ રજૂ કર્યો હતો. આમાં પણ એ જ વાતનું પુનરાવર્તન થયું, જે રિપોર્ટના પહેલા ભાગમાં કહેવામાં આવ્યું હતું.