ઓએનજીસીના હેલિકોપ્ટરનું મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેંડિંગ કરવામાં આવ્યું છે. મુંબઈ હાઈ ખાતે ઓએનજીસીના સાગર કિરણ પાસે આ ઈમરજન્સી લેંડિંગ થયું હતું. ભારતીય તટરક્ષક દળના જણાવ્યા અનુસાર હવે આ ઘટનામાં તમામ ૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અગાઉ ઓએનજીસીએ ટ્‌વીટ કર્યું હતું કે હેલિકોપ્ટરમાં ૭ મુસાફરો અને ૨ પાયલોટ સવાર હતા. મુસાફરોને બચાવવા માટે કોસ્ટ ગાર્ડના વિમાનોમાંથી લાઇફ રાફ્ટ્‌સ પણ છોડવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે રાહત અને બચાવ માટે ભારતીય નૌકાદળ અને ઓએનજીસી સાથે સંકલન કર્યું.
રાહત અને બચાવ માટે ભારતીય કોસ્ટ ગાર્ડે તેના બે જહાજા ઘટનાસ્થળે રવાના કર્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોનિયર એરક્રાફ્ટમાંથી સ્થળની નજીક એક લાઇફ રાફ્ટ પણ નીચે પડી ગયું હતું. આ વિમાન દમણથી મોકલવામાં આવ્યું હતું. જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ મુંબઈના કિનારેથી અરબી સમુદ્રના ૭ નોટિકલ માઈલની અંદર છે.
ઓએનજીસીના જહાજ માલવિયા-૧૬માંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે પાંચમાને ઓએનજીસીની રીગ સાગર કિરણની રેસ્ક્યુ બોટમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ મુંબઈમાં મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા ઈન્ટરનેશનલ સેફ્ટી નેટ પણ સક્રિય કરવામાં આવી હતી. ઓએનજીસી મુંબઈ તરફથી જ ઑફશોર સપ્લાય જહાજ માલવિયા-૧૬ બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું.
હેલિકોપ્ટરમાં ઓએનજીસીના ૬ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર માટે કામ કરનાર એક વ્યક્તિ સવાર હતા. ઇમરજન્સી લેંડિંગ માટે, હેલિકોપ્ટરને ફ્લોટર્સનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેનો ઉપયોગ આ સ્થળોએ ચાલતા ચોપર અને હેલિકોપ્ટરમાં થાય છે.