પોરબંદર અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા ૪૫૦૦ કરોડ ડ્રગ્સના મુખ્ય આરોપીના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. પોરબંદર સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા હેનરી બોટ સાથે ૪૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીઓ સામે પોરબંદર કોર્ટમાં કેસ ચાલે છે. કેસના મુખ્ય આરોપી વિશાલ જીતેન્દ્ર યાદવે પોરબંદર કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. આજે પોરબંદર કોર્ટે ફરિયાદી પક્ષની દલીલો અને દેશના યુવાધનને બરબાદ કરવા બાબતની દલીલો ધ્યાને રાખી જામીન નામંજૂર કર્યા હતા.
મહત્વનું છે કે, આ કોઈ પહેલી વખત નથી કે દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય. આ પહેલા પણ નાપાક દેશની હરકતોને ભારતીય સુરક્ષા એજન્સીએ નાકામ કરી ચૂક્યું છે.આ પહેલા પણ પોરબંદર નજીકના દરિયામાંથી ૧૫૦૦ કિલો જેટલું ૪૪૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ પૂર્વે પણ મોરબીના ઝીંઝુડા ગામેથી ૬૦૦ કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ ૨ આરોપીની ધરપકડ કરી હતી. તેમજ એટીએસની ટીમે પોરબંદરમાં તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર ૧૨૦ કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે.