ભારત વોટ્‌સએપનો વિકલ્પ ઉભો કરી શકે ?
માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટાની મેસેન્જર એપ વોટ્‌સએપનો આખી દુનિયામાં દબદબો છે. વિશ્વમાં દર મહિને લગભગ ૩ અબજ સક્રિય યુઝર્સ ધરાવતી વોટ્‌સએપના ભારતમાં પણ લગભગ ૫૪ કરોડ સક્રિય યુઝર્સ હોવાથી ભારતમાં વોટ્‌સએપ સૌથી વધારે યુઝર્સ ધરાવતી મેસેન્જર એપ છે.
વોટ્‌સએપની મોનોપોલીને તોડવા હવે અરટ્ટાઈ (Arattai) મેદાનમાં આવી છે. ઝોહો કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવેલી ભારતીય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન અરટ્ટાઈ (Arattai) ડાઉનલોડ કરનારાંની સંખ્યામાં અચાનક જ ઉછાળો આવી ગયો છે. વોટ્‌સએપે તેની પ્રાયવસી પોલિસીમાં અપડેટ્‌સની જાહેરાત કર્યા પછી તરત જાન્યુઆરી ૨૦૨૧ માં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી પણ અત્યાર સુધી તેને ભારતીયોનો જોઈએ એવો આવકાર નહોતો મળ્યો.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સ્વદેશી અપનાવવા માટે કરેલી હાકલના પગલે અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મંત્રીઓએ પણ અરટ્ટાઈ (Arattai)ની તરફેણ કરતાં અચાનક જ એપ ડાઉનલોડમાં અરટ્ટાઈ (Arattai)ની બોલબાલા થઈ ગઈ છે. કંપની દ્વારા કરાયેલા દાવા પ્રમાણે, પહેલાં દરરોજ લગભગ ૩ હજાર એપ ડાઉનલોડ થતી હતી. તેના બદલે હવે દરરોજ ૩.૫ લાખ એપ ડાઉનલોડ થઈ રહી છે તેથી સો ગણો વધારો થઈ ગયો છે. તમિલમાં અરટ્ટાઈનો અર્થ “ચેટ” અથવા “વાતચીત” થાય છે તેથી નામથી તો આ એપ સ્વદેશી છે જ પણ આ એપની માલિકી પણ ભારતીયોની છે.
આ એપ વિકસાવનારી ઝોહો કોર્પોરેશન ભારતીય મલ્ટિનેશન ટેકનોલોજી કંપની છે. બિઝનેસ સોફ્‌ટવેર અને વેબ-આધારિત બિઝનેસ ટૂલ્સ બનાવતી ઝોહો કોર્પોરેશન ઓનલાઈન ઓફિસ સ્યુટ એવા ઝોહો ઓફિસ સ્યુટ માટે જાણીતી છે. ઝોહોનું હેડ ક્વાર્ટર ચેન્નાઈમાં છે અને ૮૦ દેશોમાં તેની ઓફિસો છે.
ઓસ્ટિન, ટેક્સાસમાં અમેરિકન હેડ ક્વાર્ટર ધરાવતી ઝોહો મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈમાં ડેટા સેન્ટરો પણ ચલાવે છે. કંપની બીજાં વૈશ્વિક સ્થળોએ પણ ડેટા સેન્ટરો ચલાવે છે. શ્રીધર વેમ્બુની બહેન રાધા વેમ્બુ અને ભાઈ સેકર વેમ્બુ કંપનીમાં અનુક્રમે ૪૭.૮ ટકા અને ૩૫.૨ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે સહ-સ્થાપક ટોની થોમસ ૮ ટકા અને શ્રીધર વેમ્બુ ૫ ટકા હિસ્સો ધરાવે છે તેથી ૯૫ ટકાથી વધારે હિસ્સો ૪ ભારતીયો પાસે જ છે.

અરટ્ટાઈ (Arattai) ભારત માટે કેમ મહત્વની છે ?
દુનિયામાં અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં અમેરિકાની બોલબાલા છે. એલન મસ્કની માલિકીની એક્સ, ગુગલની માલિકીનું જી-મેલ અને માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટાનાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે ભારે પ્રભાવ ધરાવતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અમેરિકાનાં છે. મેસેન્જર એપ, માઈક્રો બ્લોગિંગ સાઈટ્‌સ તરીકે કામ કરતાં આ પ્લેટફોર્મ્સનો ભારતમાં પણ વ્યાપક પ્રભાવ છે. બલ્કે ભારતીયો તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે.
ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવા છતાં ભારતનું પોતાનું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ નથી. તેના કારણે ભારતે આ પ્લેટફોર્મની મનમાની અને દાદાગીરી સહન કરવી પડે છે. તેની સામે દુનિયાના ભારતથી ઓછી વસતી ધરાવતા દેશો પાસે પણ પોતાનાં પ્લેટફોર્મ છે તેથી અમેરિકાની કંપનીઓની તેમને પરવા નથી.
રશિયાએ તો ટેલિગ્રામ વિકસાવીને અમેરિકન કંપનીઓની ઉંઘ હરામ કરી દીધી છે. ટેલિગ્રામ ૨૦૧૩માં રશિયન ભાઈઓ પાવેલ અને નિકોલાઈ દુરોવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં રશિયામાં વિકસાવવામાં આવેલ ટેલિગ્રામનું હેડ ક્વાર્ટર થોડા સમય માટે જર્મનીમાં હતું પણ રશિયામાં અશાંતિના કારણે ૨૦૧૭ થી દુબઈમાં હેડ ક્વાર્ટર ખસેડાયું છે. ટેલિગ્રામે અમેરિકન કંપનીઓને હંફાવી દીધું છે.
ચીનમાં તો અમેરિકાની કંપનીઓના ચણા પણ નથી આવતા. ચીન પાસે WeChat (Weixin) નામે સુપર-એપ છે કે જે મેસેજિંગ, સોશિયલ મીડિયા, મોબાઇલ પેમેન્ટ્‌સ સહિતની સંખ્યાબંધ સર્વિસ આપે છે. સિના વેઇબો ટિ્‌વટર જેવું જ લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે કે જેના પર ગમે તે પોસ્ટ કરી શકાય છે. ટિકટોકનું ચાઇનીઝ વર્ઝન ડુયિન વીડિયો પ્લેટફોર્મ છે જ્યારે QZone સોશિયલ મીડિયા એપ્લિકેશન પર યુઝર્સ બ્લોગ લખી શકે છે, ફોટા શેર કરી શકે છે અને મ્યુઝિક સાંભળી શકે છે.
રશિયા પાસે VKontakte (VK) છે કે જે મેસેજિંગ, ડેટા શેર અને લોકો સાથે કનેક્ટ કરે છે. ઓડનોક્લાસ્નીકી (ઓકે) પણ લોકપ્રિય મેસેજિંગ અને વર્ચ્યુઅલ ગિફ્‌ટ માટેનું પ્લેટફોર્મ છે. રશિયા પાસે ટેલિગ્રામ પણ છે. જાપાન પાસે LINE મેસેજિંગ માટેનું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે કે જેના પર ગેમ્સ અને શોપિંગ કરી શકાય છે જ્યારે Mixi સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે. દક્ષિણ કોરિયા નાનો દેશ હોવા છતાં તેની પોતાની KakaoTalk નામે મેસેજિંગ એપ્લિકેશન છે કે જેના પર ગેમ્સ, શોપિંગની પણ મજા માણી શકાય છે.
આ દેશોએ પોતાનાં પ્લેટફોર્મ બનાવીને સાબિત કર્યું છે કે, અમેરિકાની તેમને જરૂર નથી. અરટ્ટાઈ ભારતમાં એ કરી શકે તો મોટી સિધ્ધી મનાશે કેમ કે પહેલાં કરાયેલા આ પ્રકારના પ્રયત્નો સફળ થયા નથી.

કૂ (Koo)નો કિસ્સો તાજો છે.
મોદી સરકારે ભારતનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉભું કરવા પહેલાં પણ પ્રયત્ન કર્યા હતા. તેના ભાગરૂપે ટિ્‌વટરના વિકલ્પ તરીકે કૂ (Koo) નામની એપને ભરપૂર પ્રોત્સાહન આપ્યું હતું. ટિ્‌વટર અને વોટ્‌સએપ બંને અલગ પ્રકારનાં પ્લેટફોર્મ છે પણ બંનેનું કામ લોકો સુધી મેસેજ પહોંચાડવાનું છે તેથી બંનેને એક જ કેટેગરીમાં ગણી શકાય.
૨૦૨૦માં મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી પછી મન કી બાત કાર્યક્રમમાં કૂ (Koo) એપનો ઉલ્લેખ કરતાં તેને જોરદાર પબ્લિસિટી મળી ગઈ હતી. મોદીએ કૂ (Koo) શુધ્ધ ભારતીય હોવાનો ઉલ્લેખ કરતાં ભાજપના ઘણા બધા નેતા, મંત્રીઓ અને રાજ્ય કક્ષાના નેતાઓએ કૂ પર એકાઉન્ટ ખોલાવીને ટિ્‌વટરના બદલે કૂ પર પોસ્ટ મૂકવા માંડી હતી.
બહુ ટૂંકા ગાળામાં અલગ અલગ એપ પ્લે સ્ટોર પર ૩૦ લાખથી વધારે એપ ડાઉનલાડ થઈ હતી. ધીરે ધીરે ભારતમાં કૂ (Koo)ના ૬ કરોડ યુઝર થઈ ગયા હતા. મોદી સરકારના ઘણા વિભાગો કૂ એપ પર જ પોસ્ટ મૂકતા હતા. અલબત્ત મોદી પોતે કૂ પર નહોતા આવ્યા. ટિ્‌વટર માત્ર અંગ્રેજીમાં છે જ્યારે કૂ આઠ ભારતીય ભાષામાં ઉપલબ્ધ હોવાથી ઘણી રાજ્ય સરકારો પણ સત્તાવાર જાહેરાતો કૂ પર મૂકવા માંડી હતી.
કૂ એપ (Koo App) ભારતમાં જ બની હોવાથી તેને આત્મનિર્ભર એવોર્ડ પણ અપાયો હતો. બેંગલુરુ સ્થિત બોમ્બિનેટ ટેક્નોલોજીસ કંપની દ્વારા શરૂ કરાયેલી કૂ એપના સ્થાપકો અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદાવતકા હતા. બોમ્બિનેટ ટેક્નોલોજીસમાં ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, બ્લુમ વેન્ચર્સ, કલારી કેપિટલ અને એક્સેલ અને ભૂતપૂર્વ ઇન્ફોસિસ સીએફઓ ટીવી મોહનદાસ પાઈની 3one૪ કેપિટલનું રોકાણ હતું.
મોદી સરકારે ટિ્‌વટર સહિતનાં સોશિયલ મીડિયાનો ભારતીય વિકલ્પ ઉભો કરવા માટે આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી હતી. આ સ્પર્ધામાં દેશભરની લગભગ ૭,૦૦૦ એપે ભાગ લીધો હતો. કૂને આ એન્ટ્રીઓમાંથી શ્રેષ્ઠ એપ્સ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ કારણે કૂ પહેલી શુધ્ધ સ્વદેશી એટલે કે ભારતીય માઇક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ હોવાનો દાવો કરીને ગર્વ લેવાતો હતો પણ ૨૦૨૧માં આ દાવાની હવા નીકળી ગઈ.
ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચર રોબર્ટ બેપ્ટિસ્ટેએ ૨૦૨૧માં દાવો કર્યો હતો કે, કૂ એપ સુરક્ષિત નથી. આ એપમાં યૂઝર્સનો પર્સનલ ડેટા લીક થઈ રહ્યો છે. પર્સનલ ડેટામાં યૂઝરનું ઇમેલ આઇડી, ફોન નંબર અને જન્મતારીખ વગેરે સામેલ છે. બેપ્ટિસ્ટેએ પોતાના ટ્‌વીટર હેન્ડલથી ટ્‌વીટ કરીને કૂ એપના ચીની કનેક્શનનો પણ ભાંડો ફોડ્‌યો પછી કૂનાં વળતાં પાણી શરૂ થયાં. બેપ્ટિસ્ટેએ ધડાકો કરેલો કે, કૂ એપમાં ચીનની કંપની શુનવેઈનું રોકાણ છે.
પહેલાં તો કૂ આ વાત માનવા તૈયાર નહોતી પણ છેવટે કૂ એપના કો-ફાઉન્ડર અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણે પોતાની કંપનીમાં ચીનની કંપની શુનવેઈનું કેટલુંક ઇન્વેસ્ટમેન્ટ હોવાનું કબૂલ્યું હતું. ચીનની જાયન્ટ મોબાઈલ કંપની શાયોમી સાથે જોડાયેલું શુનવેઈ એક વેન્ચર કેપિટલ ફંડ છે અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે.
કંપનીનું કહેવું હતું કે, શુનવેઈ ટૂંક સમયમાં ભાગીદારીમાંથી બહાર થઈ જશે અને પોતાની હિસ્સેદારી વેચી દેશે. આ વાત સાચી પણ સાબિત થઈ કેમ કે સત્તાવાર રીતે શુનવેઈએ માર્ચ, ૨૦૨૧માં પોતાનો તમામ હિસ્સો વેચી દીધો હતો. જો કે કૂનું ચાઈનીઝ કનેક્શન બહાર આવ્યું પછી ભારતીયોને તેમાંથી રસ ઉડી ગયો. લોકો કૂ (Koo)થી દૂર ભાગવા માંડ્‌યા અને એક સમયે ૬ કરોડ યુઝર તથા ૨૮ કરોડ ડોલર એટલે કે લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી કૂ (Koo)નાં ૨૦૨૪ના જુલાઈમાં પાટિયા પડી ગયા. નાઈજીરિયા અને બ્રાઝિલમાં પણ કૂ (Koo) શરૂ થયેલું પણ અત્યારે તેના પણ પાટિયા પડી ગયેલા છે. ઝોહોની અરટ્ટાઈનું શું થાય છે એ જોઈએ.