રામનગરી અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશને ઠરાવ પસાર કર્યો છે. આ મુજબ, હવે અયોધ્યા અને ફૈઝાબાદ શહેરને જોડતા મુખ્ય માર્ગ રામ પથ પર દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. રામ પથના ૧૪ કિલોમીટરના પટ માટે માંસ અને દારૂના વેચાણ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. હવે આ ૧૪ કિલોમીટર લાંબા રામ પથ પર દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, રામ પથ પર પાન, ગુટખા, બીડી, સિગારેટ અને આંતરિક વસ્ત્રોની જાહેરાતો પણ પ્રદર્શિત કરવામાં આવશે નહીં.
ખરેખર, અયોધ્યામાં સ્થિત રામલલા મંદિર રામ પથ પર જ આવેલું છે. આવી સ્થિતિમાં, અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ પર પહેલાથી જ પ્રતિબંધ છે, પરંતુ આ નવા પ્રસ્તાવ પસાર થયા પછી, રામ પથ પર પણ માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ફૈઝાબાદ શહેરના ઘણા વિસ્તારોનો સમાવેશ થાય છે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ આ પ્રસ્તાવ પસાર થવાની માહિતી આપી છે.
મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી સમિતિ, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને ૧૨ કાઉન્સીલરોનો સમાવેશ થાય છે, તેમણે શહેરની સાચી ધાર્મિક ભાવના જાળવી રાખવા માટે આ પ્રતિબંધ લાદવાનો ઠરાવ પસાર કર્યો હતો.” તમને જણાવી દઈએ કે અયોધ્યા નગર નિગમની કારોબારી સમિતિમાં ફક્ત એક જ મુસ્લીમ કાઉન્સીલર, સુલતાન અંસારીનો સમાવેશ થાય છે, જે ભાજપના છે. અયોધ્યામાં સરયુ કિનારાથી શરૂ થતો પાંચ કિલોમીટર લાંબો રામ પથ ફૈઝાબાદ શહેરમાં આવે છે અને હાલમાં, આ પટમાં માંસ અને દારૂ વેચતી ઘણી દુકાનો છે. આ પ્રતિબંધના અમલીકરણ માટેની વિગતો અને સમયરેખા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.