ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અનુભવી ક્રિકેટર આર અશ્વિન હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ ૨૦૨૫ માં રમી રહ્યા છે. તે આ ટુર્નામેન્ટમાં ડિંડીગુલ ડ્રેગનની કેપ્ટનશીપ કરી રહ્યા છે.ટીએનપીએલની ચાલુ સીઝનની પાંચમી મેચ ડિંડીગુલ ડ્રેગન અને તિરુપુર તમિઝાન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, આર અશ્વિમને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના માટે તેને હવે દંડ ફટકારવામાં આવ્યો છે.
ડિંડીગુલના કેપ્ટન અશ્વીનને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે મેચ રેફરી અર્જુન કૃપાલ સિંહે તેને તેની મેચ ફીના ૩૦% દંડ ફટકાર્યો હતો. અશ્વીન અમ્પાયરો પ્રત્યે અસંમતિ દર્શાવવા અને સાધનોના દુરુપયોગ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.ટીએનપીએલના એક અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું હતું કે મેચ રેફરીએ મેચ પછી સુનાવણી યોજી હતી. અશ્વીનને અમ્પાયરો પ્રત્યે અસંમતિ દર્શાવવા બદલ ૧૦ ટકા અને સાધનોના દુરુપયોગ માટે ૨૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે દંડ પણ સ્વીકારી લીધો છે.
ડિંડીગુલની ઇનિંગ દરમિયાન, આર અશ્વીનને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર એલબીડબ્લ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. અશ્વીન અમ્પાયરના આ નિર્ણયથી ખૂબ ગુસ્સે દેખાતો હતો. ત્યારબાદ તે અમ્પાયર કૃતિકા સાથે દલીલ કરતો જાવા મળ્યો હતો. અશ્વીન ડીઆરએસનો ઉપયોગ કરી શક્યો ન હતો કારણ કે તેની ટીમ પહેલાથી જ તેના બધા ડીઆરએસનો ઉપયોગ કરી ચૂકી હતી. અશ્વીન માનતો હતો કે બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ કરી રહ્યો હતો. તેણે અમ્પાયરને આ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનાથી બહુ ફરક પડ્યો નહીં. જ્યારે અમ્પાયરે પોતાનો નિર્ણય ન બદલ્યો, ત્યારે તે ગુસ્સામાં મેદાનની બહાર ચાલતો જાવા મળ્યો. આ દરમિયાન તેણે ગુસ્સામાં પોતાના બેટથી પેડ્સ પર માર માર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
આ મેચમાં અશ્વીને ૧૧ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ રન બનાવ્યા. ડિંડીગુલ ડ્રેગનની આખી ટીમ ૧૬.૨ ઓવરમાં ૯૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ૯૪ રનનો પીછો કરતા, તિરુપુર તમિઝાન્સની ટીમે ૪૯ બોલ બાકી રહેતા ૯ વિકેટે મેચ જીતી લીધી. તમિઝાન્સ માટે વિકેટકીપર બેટ્સમેન તુષાર રહેજાએ અણનમ ૬૫ રન બનાવ્યા અને ટીમનો ટોપ રન સ્કોરર રહ્યો.














































