વિપક્ષના નેતા અને રાજદ નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવાની નીતિશ કુમારની જાહેરાત પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી બદલવાની વાત કરી ચૂક્યા છે. તેઓ નીતિશ કુમાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમને પહેલાથી જ ખબર હતી કે શું થઈ રહ્યું છે. જો તેઓ ત્યાં રહ્યા હોત, તો તેમને આ દિવસોનો સામનો કરવો પડ્યો ન હોત.

તેજસ્વી યાદવે કહ્યું, “બધા જાણે છે કે બિહાર ચૂંટણીમાં એનડીએ નો સૂત્ર ‘૨૦૨૫ થી ૩૦, ફરી નીતિશ’ હતો. ભાજપ અને તેના ઘટક પક્ષો જાણે છે કે કેવી રીતે છેતરપિંડી, કાવતરા અને સમગ્ર વ્યવસ્થાના દુરુપયોગ દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી. તે સમયે પણ, અમે કહ્યું હતું કે ભાજપે નીતિશ કુમારને હાઇજેક કરી લીધા છે અને તેઓ તેમને ફરીથી તે ખુરશી પર બેસવા દેશે નહીં. અમે કહ્યું હતું કે તેઓ છ મહિનાથી વધુ સમય સુધી મુખ્યમંત્રીની ખુરશી પર રહેશે નહીં.”

તેમણે કહ્યું, “ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે તે જેની સાથે પણ જોડાણ કરે છે તેને નષ્ટ કરે છે. ભાજપ એક ઓબીસી વિરોધી, દલિત વિરોધી અને આદિવાસી વિરોધી પક્ષ છે. તેઓ બિહારમાં એવા નેતા ઇચ્છતા નથી જે ઓબીસી કે દલિતો માટે બોલે; તેઓ ફક્ત ‘રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી’ ઇચ્છે છે. સત્તા પરિવર્તન જનભાવના વિરુદ્ધ છે. લોકો ભાજપની રણનીતિ અને ચારિત્ર્યને સારી રીતે જાણે છે.”

તેજશ્વીએ વધુમાં કહ્યું, “અમે નીતિશ કુમાર સાથે કામ કર્યું છે, પરંતુ મોટાભાગે અમે વિરોધ પક્ષમાં હતા. જ્યારે તેઓ (જેડીયુ) ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ અમને છોડીને ગયા, ત્યારે અમે કહ્યું હતું કે ભાજપ તેમનો નાશ કરશે. અમને તેમના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે; અમે બિહારની તેમની સેવા બદલ તેમનો આભાર પણ માનવા માંગીએ છીએ.”

તેમણે કહ્યું, “અમને આ પહેલાથી જ ખબર હતી. જ્યારે અમે ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ કહ્યું હતું કે જદયુ ખતમ થઈ જશે, ત્યારે ભાજપને તેમના દાવા મુજબનું પરિણામ (૪૦૦ બેઠકો) મળ્યું નહીં. તેથી જ તેમાં એક વર્ષનો વિલંબ થયો, નહીં તો તેઓ તેમને  ઘણા સમય પહેલા જ ખતમ કરી દેત.”

તેજશ્વીએ સરખામણી કરી, “મહારાષ્ટ્રમાં શું થયું? ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો. તેમણે અહીં પણ આ જ નીતિને વધુ સારી રીતે લાગુ કરી છે.જદયુમાં કેટલાક લોકો પહેલાથી જ ભાજપ સમક્ષ શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે.”

તેમણે કહ્યું, “નિશાંત ખૂબ વહેલા આવી જવું જાઈતું હતું, પરંતુ કેટલાક લોકોએ તે થતું અટકાવ્યું. હવે તમે જુઓ છો કે આ લોકો બિહારને પહેલાથી કરતાં વધુ કેવી રીતે બરબાદ કરી રહ્યા છે. અમે ભાજપ સામે લડીશું અને તેમને હરાવીશું.”