અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પૂરી થઇ ચૂકી છે. આપણે ત્યાં વીસ ત્રીસ વર્ષ પહેલા ચૂંટણીમાં બનતી એવી બેલેટબોક્સ સળગાવવાની અને ઉમેદવાર ઉપર ઘાતક હુમલા જેવી ઘટનાઓ આ વખતની અમેરિકાની ચૂંટણીમાં બની હતી. આક્ષેપ પ્રતિઆક્ષેપ ગાલીગલોચ સુધી પહોચી ગયા હતા. ભાષાનું સ્તર ભારતની ચૂંટણીઓ જેવું જ જોવા મળ્યું હતું. નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સતારૂઢ થવાથી ભારતને શું ફાયદો કે નુકસાન થશે તેની ચર્ચાઓ મંડાઈ ગઈ છે. અમેરિકાના પરિણામોથી આનંદિત અને દુઃખી થવાવાળા બંને પક્ષો ભારતમાં મોટા પ્રમાણમાં છે. અમેરિકા સુપર પાવર દેશ છે, એવું સરેરાશ ભારતીય સ્વીકારે છે. વિશ્વના આશરે ત્રણ ડઝન દેશમાં લશ્કરી થાણાઓ અમેરિકાના છે. દુનિયાના કોઈ ખૂણે ચાલતા વિવાદમાં અમેરિકાનો પગ હોય જ છે. એ કારણે જગત જમાદાર જેવું અળખામણું બિરુદ પણ ધરાવે છે. અમેરિકાની વૈશ્વિક તાકાતને લીધે વિશ્વનો દરેક દેશ ત્યાં કોણ પ્રમુખ બનશે અને એના બનવાથી શું ફાયદા ગેરફાયદા થશે એ સમીકરણો બેસાડે એ સ્વાભાવિક છે. બાકી આજે ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જાપાન જેવા દેશમાં સત્તા પરિવર્તન થાય તો વધુ ઉહાપોહ નથી થતો. ભારત તરફથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ઓબામા, બાઈડેન બાદ ટ્રમ્પ એમ ત્રીજા અમેરિકન પ્રમુખ સાથે કામ કરશે. ભૂતકાળમાં એમણે ટ્રમ્પ સાથે પણ કામ કર્યું છે, બંનેની કેમેસ્ટ્રી સારી હોવાનો ફાયદો ભારતને જરૂર મળી શકે છે. પણ અમેરિકાના બીજા દેશો પ્રત્યેના દ્રષ્ટિકોણ અંગે લાંબી ભવિષ્યવાણી કરી શકાય એમ નથી. સરવાળે એ તર્ક અને તથ્ય તારવી શકાય કે જે અમેરિકાના હિતમાં હશે, અને ભારત તેનું સમર્થન કે પહેલ કરતુ હશે, એ બિંદુ સુધી સહકાર અને ભાઈબંધી ચાલતી રહેશે.
ભારત માટે મોટો ફાયદો ટ્રમ્પનું પાકિસ્તાન, ચીન સામેનું વલણ છે. એ જાહેરમાં પાકિસ્તાનને આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વાસઘાતી કહી ચુક્યા છે અને એમણે જ પાકિસ્તાનને લશ્કરી સહાય બંધ કરી હતી. જે ફરીથી બાયડેને શરુ કરી હતી. ભારત પાકિસ્તાનને દુનિયામાં એકલું પાડવા સક્ષમ બન્યું હોય તો ભારતની એ વિદેશનીતિને જે તે સમયે ટ્રમ્પનો ટેકો મહત્વનો હતો. પહેલી વખત અમેરિકાએ પાકિસ્તાનના બદલે ભારતને ખુલ્લું ભૌગોલિક પ્રાધાન્ય આપીને દરેક મોરચે પાકિસ્તાનની સામે સમર્થન આપ્યું હતું. અલબત ભારતની ઉભરતી તાકાત પણ એટલી જ અગત્યની હતી અને છે. રશિયા તરફની તટસ્થતા અને ચીનની સામેનો વિરુદ્ધ આક્રમક વેપારી અભિગમ ભારતને ફાયદો કરાવી શકે છે. દુનિયાના દેશોમાં ચાલી રહેલી ચાઈના પ્લસ વનની નીતિનો લાભ ભારતને વધુ તીવ્રતાથી મળી શકે છે. વધુમાં ભારતે જાજુ હરખાઈ જવાની પણ જરૂર નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ ભારતની વેપાર નીતિઓને અયોગ્ય કહી ચુક્યા છે. પોતે વેપારી માણસ છે. એણે ચૂંટણી પ્રચાર દરમિયાન આયાત પર ટેરીફ લાગુ કરવાનું વચન આપ્યું છે, સ્વાભાવિક છે ભારત તરફથી થતી આયાત એમાં અપવાદ ન હોઈ શકે. અમેરિકા ફર્સ્ટની નીતિ અંતર્ગત અમેરિકાને વધુમાં વધુ લાભ થાય એ વલણ ચોક્કસ રહેશે.
આજે વિશ્વનો દરેક વિકસિત અને વિકાસશીલ દેશ દેશની અંદરના જાતિય અને સરહદ પારના સંઘર્ષોથી ચિંતિત છે. વધતા જતા આંતરિક અને સરહદી જાતિય સંઘર્ષો સામે દરેક પીડિત દેશ ધીમે ધીમે સાવધ થઇ રહ્યો છે. જેવી રીતે ભારત બાંગ્લાદેશ સરહદથી ઘુસણખોરીથી ત્રસ્ત છે તેવી રીતે અમેરિકા પણ ઘુસણખોરોથી ત્રસ્ત છે. ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ નો નારો આપીને ગેરકાયદે ઘુસણખોરોને હાંકી કાઢવાની અને સરહદો સીલ કરવાની જોરશોરથી જાહેરાતો અને વાયદાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યા છે. જેમાં અમેરિકાના સમર્થન છે તેવા યુદ્ધ રોકી દેવાની જાહેરાત પણ કરી છે. આજે સમગ્ર વિશ્વમાં નેશન ફર્સ્ટની થીયરી અમલમાં આવી રહી છે. શરણાર્થીઓ માટે આજદિન સુધી ઉદારવાદી રહેલા દેશોને એમના દેશમાં શરણાર્થીઓના ખરાબ અનુભવો થઇ રહ્યા છે. યુરોપના જે જે દેશોએ આ બાબતે માનવતાવાદી અભિગમ રાખીને શરણાર્થીઓને આવકાર્યા હતા આજે એ દેશોમાં શરણાર્થીઓ માથાનો દુઃખાવો બનતા જઈ રહ્યા છે અને અર્થતંત્ર પર અસર પાડી રહ્યા છે. અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. પોતાના ટેક્સ સ્વરૂપે ચૂકવેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે એ અંગે અમેરિકન કરદાતા પણ જિજ્ઞાસુ છે.
અમેરિકામાં જે મુદ્દાઓ આધારે આ ચૂંટણી લડાઈ, ભારતમાં આ પ્રકારના પ્રચાર પ્રસાર અને આક્રમકતાને ભારતના લિબરલો અસહિષ્ણુતા અને લોકશાહી સામેનો ખતરો કહે છે. એમના વાણીવિલાસ, સ્ત્રી દ્વેષી વલણ, જાતિય શોષણના અંગત ગંભીર આરોપ અને એ અંતર્ગત ચાલતા મુકદ્દમાઓ બાવજૂદ અમેરિકાએ ટ્રમ્પને પસંદ કર્યા છે. ટ્રમ્પે પ્રચાર દરમિયાન એ ઈશારા કર્યા હતા કે હવે અમેરિકાએ પોતાના માટે વધુ વિચારવું પડશે. પોતાના નાગરિકોની, બાળકોના ભવિષ્યની ચિંતા પ્રથમ કરવી પડશે. દુનિયાના ઝગડાઓમાં દરમિયાનગીરી કરતા અમેરિકાએ છેલ્લા ચાર વર્ષમાં વિક્રમ મોંઘવારી, નબળું અર્થતંત્ર જેવા ખુબ ખરાબ અનુભવો કરી લીધા. આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને નીતિ ઘડતરમાં અમેરિકન નેતાગીરીની જે હાજરી સામાન્યત હોય છે એ છેલ્લા ચાર વર્ષ દરમિયાન ગેરહાજર જેવી હતી. આ બધા પરિબળોએ અમેરિકનોની પસંદગીમાં ટ્રમ્પને આગળ કરી દીધા.
એક રીતે ભારતીય દ્રષ્ટિકોણથી જોઈએ તો અમેરિકાની આ ચૂંટણી કૈંક અંશે રાષ્ટ્રવાદ આધારે લડાઈ હતી. સામાન્ય રીતે અમેરિકાની જનતા ચૂંટણીમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય, વૈયક્તિક અધિકારો, લોકશાહી મુલ્યો, આર્થિક નીતિઓ જેવ મુદ્દાઓ પર વોટ કરતી આવી છે. ત્યાં ઉમેદવારની વ્યક્તિગત છબી પણ બહુ પ્રસ્તુત કે મહત્વ રાખતી નથી હોતી. બીલ ક્લીન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રમુખો મહિલાઓના જાતિય શોષણ જેવા ગંભીર આરોપ છતાં ચૂંટાઈ આવ્યા છે. અમેરિકા અમર્યાદ તકો અને વિચિત્ર કાયદાઓનો દેશ છે.
ક્વિક નોટ – ભારત અને અમેરિકાના સમાજ જીવનમાં પાયાનો તફાવત છે. ભારતમાં જાહેર વર્તન માટે જાજી સ્વતંત્રતાઓ છે. ઘરની અંદર બહોળા બંધનો છે. જયારે અમેરિકામાં જાહેર વર્તન માટે લોખંડી કાયદાઓ છે. ઘરની ચાર દીવાલની અંદર વ્યક્તિ પૂર્ણ સ્વતંત્ર છે.