થોડા દિવસ પહેલા અમેરિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેર સભામાં ગોળીબાર થયો. એક ગોળી ટ્રમ્પની કાનપટ્ટી ઘસીને નીકળી ગઈ. ટ્રમ્પ જો આગામી ચૂંટણીમાં ચૂંટાઈ આવે તો બેશક એ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના નેતા તરીકે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બને. વિશ્વના કોઈપણ દેશમાં રાજકીય હત્યા કોઈ નવી બાબત નથી. અમેરિકા જેવી સૌથી જૂની અને ભારત જેવી સૌથી મોટી લોકશાહીમાં પણ એ બનતા રહ્યા છે. અમેરિકામાં પણ આ બનાવ પહેલો નથી અને છેલ્લો પણ નથી. ભારત કરતા પણ વધુ ખરડાયેલો રાજકીય હત્યાઓનો ઈતિહાસ અમેરિકાનો છે. લિંકનથી લઈને ગાંધી સુધી અને
બૂથથી લઈને ગોડસે સુધી બદલો, વેર, ખુન્નસનો લોહીયાળ ઈતિહાસ ભર્યો પડ્‌યો છે. હમ્મુરાબીએ જયારે ત્રણ હજાર વર્ષ પહેલા પથ્થરો પે કાયદાઓ ખોદાવ્યા હતા ત્યારે પણ સૌ પ્રથમ કાયદો હતો…. વેર.
કોઈપણ બાબત હોય, ભારતના મીડિયામાં પાડોશીના છોકરા છોકરીના માર્ક્સની સરખામણીની જેમ ભારત અને અમેરિકાની સરખામણી કરવાની એક ફેશન ચાલતી રહે છે. ત્યાની માળખાકીય સુવિધાઓ, સમાજ જીવનની સ્વતંત્રતા, આર્થિક સધ્ધરતા, જાહેર શિસ્ત, સારું સ્વાસ્થ્ય, સમયબદ્ધતા, કાયદાકીય સરંક્ષણ બધા આયામો પર આપણે ભારતની સરખામણી અમેરિકા સાથે કરીએ છીએ. અને આપણે તેમનાથી ખુબ પાછળ છીએ તેવું ચર્ચાના અંતે જાહેર કરી દઈએ છીએ. ભારતમાં કોઈ બનાવ બને એટલે તાર પર બેઠેલા કાગડાઓ એક પથ્થર કે અવાજથી જે એક સાથે ઉડે તેમ રોટીજીવી, કલમઘસું જમાત એકસાથે કાગારોળ મચાવી દે છે કે જુઓ ત્યાં આવું છે અને આપણે ત્યાં તેવું નથી. માત્ર ત્યાંની સામાન્ય પ્રજા અને નેતાઓના ચારિત્ર્ય સાથે આપણી સરખામણી નથી કરતા. કારણકે આપણને આપણા વિશે ખરાબ લખતા જાજુ ફાવતું નથી. ભારતની જનતાની દાંડાઈ કદાચ વહેલી પારખીને ગાંધીજી કહી ગયા હતા તેમ, સરેરાશ ભારતીય દાંડ છે. ટેક્ષ ચોરી કરવાથી લઈને રસ્તા પર થુંકવા કે કચરો કરવા કે રોંગ સાઈડમાં વાહન ચલાવવા સુધી ભારતીય જનતાની દાંડાઈનો જોટો વિશ્વના બહુ ઓછા દેશની જનતામાં જોવા મળે છે. એક ફિલ્મનો મશહૂર ડાયલોગ છે કે “સૌ મેં સે અસ્સી બેઈમાન ફિરભી મેરા ભારત મહાન.” નેતાઓની સરખામણીમાં કદાચ ગાંધી અને લિંકન બાદ કોઈ સરખામણી થઇ શકે તેવી સ્થિતિ આવી જ નથી. ભારતમાં ભ્રષ્ટ અને દેશદ્રોહી કક્ષાના નેતાઓની કતાર દર કતાર આવી જ રહી છે. અમેરિકામાં એકલ દોકલ સિવાય રાજકીય ભ્રષ્ટાચારના સમાચાર જાણવા મળતા નથી. રાજકીય, સામાજિક, આર્થિક બધા મોરચે પારદર્શિતાનો આગ્રહ ધરાવતો દેશ છે. અમેરિકાનો મુદ્રાલેખ છે, “ઇન ગોડ વી ટ્રસ્ટ”, અમે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ. અમેરિકાની આમ જનતા એવું માને છે કે સામાવાળો જો બહુ તકલીફમાં હોય તો જ ખોટું બોલે, અન્યથા બધા સાચું જ બોલે. આપણે ત્યાં આવી કોઈ માન્યતા સામાન્ય જનમાં નથી. આપણે જયારે સરખામણીમાં પાછળ રહી જઈએ છીએ ત્યારે આપણા પારિવારિક મુલ્યો, હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને પરંપરાની દુહાઈ દઈને આત્મસંતોષ મેળવી લઈએ છીએ. સરખામણીમાં હિન્દુસ્તાન અજબ સગવડતા ભોગવે છે, અહીના પોણીયા પત્રકારો અને અધુરીયા નેતાઓ પાસે કોઈ મુદ્દે દેશની સરખામણી કરવા માટે પડોશી પાકિસ્તાનથી લઈને અમેરિકા સુધીની જમીન ખુલ્લી પડી છે. સરખામણીમાં ઔચિત્ય જેવી વિભાવનાને રાજકીય સ્વાર્થના ખરલમાં ઘૂંટીને આ લોકો સસ્તો નશો કરી ગયા છે.
ભારતમાં વધી ગયેલી દાઢીવાળા લઘર વઘર લેખકો, ખોળના કોથળા જેવા શરીરો લઈને સાંજે ટીવી પર બેસતા રાજકીય વિશ્લેષકો, અને છાતી ઉપર બંધારણ બાંધીને ફરતા નેતાઓ અમેરિકન રાષ્ટ્રપતિ પરના આ હુમલા વિશે કઈ નહિ બોલે. એનો આત્મા માત્ર ભારતમાં જ આવી ઘટના બને ત્યારે છટપટી ઉઠે છે. ત્યારે એ ભારતને ત્રીજી કક્ષાના દેશો સાથે સરખાવીને પોતાનું ફૂલકું પકાવી લે છે. આજે અમેરિકા જેવા દેશમાં આવો બનાવ બન્યો છે ત્યારે દેશના નેતાઓથી લઈને ઉપર ઉલ્લેખ કરેલા કોઈ અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા વિશે ટીપ્પણી નહિ કરે. કારણકે એણે પછી ત્યાની યુનિવર્સીટીઓમાં જઈને ભારત વિરુદ્ધ ઓકવાનું પણ છે કે ભારતમાં કાયદો વ્યવસ્થા નથી અને સંવિધાન ખતરામાં છે. જે આ ટીપ્પણી કરવાથી દુકાન બંધ થઇ જવાની પૂરી સંભાવના છે. દેશના સૈન્યના અપ્રતિમ પરાક્રમના સબૂતો માંગનારા મક્કારોનું મૌન દેશની જનતાએ સંભાળવા જેવું છે.
દુનિયાને પોતાની એડી નીચે રાખવાની રાજકીય મંશા દરેક અમેરિકન રાષ્ટ્રપતિએ પાળી છે. એ અમેરિકાની તાસીર છે કે ત્યાંનો બચ્ચો બચ્ચો પોતાના દેશને સુપરપાવર તરીકે પિછાણે છે. કદાચ એટલે જ તેઓ સુપર પાવર છે. ૧૧ સપ્ટેમ્બરની ઘટના બાદ કોઈ એવા હુમલાઓ રોકવામાં અમેરિકા સફળ રહ્યું છે, નહીતર અર્ધી દુનિયામાં યુદ્ધો કરીને કે કરાવીને ચારેબાજુ દુશ્મનીના બી વાવીને બેઠેલી પ્રજા છે. આપણે વગર કારણનો સરહદપારનો આતંકવાદ રોકવામાં કે પાઠ ભણાવવામાં દેશની ઢીલી અને જવાબ આપતી વખતે ઘાઘરા પાછળ સંતાઈ જતી નેતાગીરી વર્ષોથી નિષ્ફળ રહી છે. તેઓ દેશના દુશ્મનને સાત સમદર પારના દેશમાં જઈને પણ ખતમ કરવાની તાકાત રાખે છે, અને આપણે ત્યાં જયારે દુશ્મનોને આ રીતે જવાબ આપવાનું શરુ થયું ત્યારે શું થયું ? બીજા દેશની સરહદમાં આઠ કિલોમીટર ઘૂસીને સૈન્યે કરેલા પરાક્રમના સબૂત માંગતા ધૂર્ત અને હરામખોર નેતાઓ વેશ્યાના દલાલની જેમ બજારમાં આવી ગયા હતા. અમેરિકાના કોઈ વિરોધપક્ષોએ પાકિસ્તાનમાં ઠાર કરાયેલા ઓસામા બિન લાદેનના સબૂતો નહોતા માંગ્યા. ખાડી યુદ્ધ વખતે બે અમેરિકન મહિલા સૈનિકોને બંધક બનાવી લેવામાં આવી ત્યારે ત્યારના સરક્ષણ સચિવ કોલીન પોવેલે જે સ્ટેટમેન્ટ કરેલું એ અમેરિકાની તાસીર બતાવે છે, પોવેલે નિવેદન આપેલું કે જો અમારી સૈનિકોને કશું થશે તો હું ઈરાકની જમીનને ચંદ્રની સપાટીની જેમ સપાટ કરી નાખીશ. બંને સૈનિક છૂટી ગઈ હતી. પડોશી દેશ પાસે એટમબોમ્બ હોવાથી ડરવાની જરૂર છે એવું નપુંસક નિવેદન કોઈ અમેરિકન વિપક્ષ ક્યારેય નથી કરતો.
ક્વિક નોટ — જ્યોર્જ વોશિંગ્ટને જે કોર્નવોલીસને હરાવ્યો, એ કોર્નવોલીસને અંગ્રેજોએ લોર્ડ બનાવીને હિન્દુસ્તાન મોકલ્યો હતો. અમેરિકામાં હારેલો અંગ્રેજ હિન્દુસ્તાન પર હકૂમત કરી ગયો હતો.