અમેરિકામાં આર્થિક મંદી તીવ્ર બની રહી છે. તેનાથી ભારત સહિત દુનિયાના તમામ દેશોની અર્થવ્યવસ્થા પર પણ માઠી અસર પડવાની આશા છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં ફુગાવાના આંકડા ૪૦ વર્ષના સૌથી ઊંચા સ્તરે છે. બીજી તરફ શેરબજાર લગભગ ૧૪ વર્ષ જૂની મંદીની વાત દોહરાવી રહ્યું છે. જેથી બાઈડેન સરકારે સ્થિતિને બગડતી રોકવા માટે વ્યાજ દર વધારવાનું પગલું ભર્યું છે.
મોટા ઉદ્યોગપતિઓ અને આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, આ પગલાંથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળશે, પરંતુ લોકો સુધી નાણાંની પહોંચ ઓછી થવાને કારણે અમેરિકા અને વિશ્વમાં આર્થિક મંદી ફેલાવાનું જાખમ પણ રહેશે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાના તજજ્ઞોના જણાવ્યા અનુસાર ૪ મહિનાથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ અને કોવિડ-૧૯ મહામારીની અસરથી અમેરિકા સહિત દુનિયાના અર્થતંત્રોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ પૈકીના નાસ્ડેકના સીઈઓ એડેના ફ્રિડમેનનું કહેવું છે કે, મંદી હજુ શરૂ નથી થઈ, પરંતુ જે રીતે તેની ચર્ચા થવા લાગી છે તેનાથી લોકોના મનમાં રહેલી શંકા વધુ ઘેરી બની શકે છે. જેનાથી વ્યાપારને લગતી પ્રવૃત્તિ પર દબાણ આવશે અને વૈશ્વિક આર્થિક મંદી શરૂ થવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.
મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી રહી હતી. ત્યાં હવે રશિયા-યુક્રેન યુદ્ધે પડ્યા પર પાટુ માર્યું છે. આ યુદ્ધને કારણે દુનિયામાં ઘણી જરૂરી વસ્તુઓની અછત સર્જાઇ છે, પરિણામે મોંઘવારીનું સ્તર વધ્યું છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે વિશ્વના ઘણા દેશોએ તેમના વ્યાજના દરમાં વધારો કર્યો છે અને આ કારણે વૈશ્વિક આર્થિક મંદીનો ખતરો વધી રહ્યો છે.
વૈશ્વિક અર્થતંત્ર પર અમેરિકાની મંદીની અસર થવાની દહેશત અમેરિકાના ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી લોરેન્સ સમર્સ વ્યક્ત કરી ચુક્યા છે. તેઓના મત મુજબ જ્યારે બેરોજગારીનો દર ૪ ટકાથી ઓછો અને મોંઘવારીનો દર ૪ ટકાથી વધુ હોય ત્યારે વિશ્વ આર્થિક મંદીના ભરડામાં સપડાઈ છે. આ વખતે પણ સ્થિતિ એવી જ છે. ત્યારે અમેરિકામાં ૨ વર્ષ સુધી મંદી જાવા મળી શકે છે અને તેની અસર વિશ્વ આખા પર થશે.
ગોલ્ડમેન સાક્સના સિનિયર ચેરમેન લોઇડ બ્લન્કફેઇ આ બાબતે જણાવ્યું હતું કે જાખમ તો છે, પરંતુ ફેડરલ રિઝર્વ બેન્ક ઇચ્છે તો તેને કોન્ટ્રોલ કરી શકે છે. કંટ્રોલ કરવા માટે ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજ દરો પરનો વધારો પાછો ખેંચવો પડશે અને બિઝનેસ એક્ટિવિટીઝ પર લોનની સુવિધા પણ સરળ બનાવવી પડશે.
જાપાનની ઇન્વેસ્ટમેન્ટ બેંક નામુરાએ પણ અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆતની શંકા વ્યક્ત કરી છે. બેન્કનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં મંદી શરૂ થઈ શકે છે, જેની અસર માત્ર અમેરિકા પર જ નહીં પરંતુ ભારત અને ચીન સહિત દુનિયાના તમામ દેશો પર પડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮માં પણ આવી જ આર્થિક મંદી આવી હતી, જેના કારણે વિશ્વમાં માંગમાં ઘણો ઘટાડો થયો હતો. તે સમયે અનેક લોકોને નોકરી ગુમાવવી પડી હતી અને આર્થિક ગતિવિધિઓ પર અસર પડી હતી.