ભારતીય મૂળના બિઝનેસમેન તન્મય શર્માની અમેરિકાના લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૧૨૪૪ કરોડ રૂપિયા (૧૪૯ મિલિયન ડોલર)ના હેલ્થકેર છેતરપિંડીના કેસમાં ધરપકડ કરીઈ છે. તે સોવરેન હેલ્થ ગ્રૂપના સ્થાપક અને પૂર્વ સીઈઓ છે, જે નશા મુક્તિ અને માનસિક સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરે છે. જા કે, આ સંસ્થા હવે બંધ થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, ૬૧ વર્ષીય તન્મય શર્માએ ૧૪૯ મિલિયન ડોલરના ખોટા ક્લેમ કરીને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત તેમણે દર્દીઓની ભરતી કરવા માટે ૨૧ મિલિયન ડોલર (લગભગ ૧૭૫ કરોડ રૂપિયા)ની લાંચ પણ આપી હતી. તન્મય શર્મા પર વાયર ફ્રોડના ચાર, કાવતરાનો એક અને ગેરકાયદે રેફરલના ત્રણ આરોપ મૂકવામાં આવ્યા છે.
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમે વર્ષ ૨૦૧૭થી આ કેસની તપાસ કરી રહી હતી. એફબીઆઈ ટીમ ૨૦૧૭ થી આ કેસની તપાસ કરી રહી હતી. આ અંતર્ગત, દક્ષિણ કેલિફોર્નિયામાં સોવરેન હેલ્થના સારવાર કેન્દ્રો, મુખ્યાલય અને તન્મય શર્માના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંસ્થાએ ૨૦૧૮માં કામગીરી બંધ કરી દીધી હતી. આ કેસમાં પોલ જિન સેનની પણ ધરપકડ કરાઈ છે, જેણે કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો. તેની ટ્રાયલ ૨૯મી જુલાઈથી શરૂ થશે.
બિઝનેસમેન તન્મય શર્મા મૂળ આસામના ગુવાહાટીના રહેવાસી છે અને તેમણે ડિબ્રુગઢ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કર્યા પછી, તેઓ યુકે અને પછી અમેરિકામાં મેડિકલ અને રિસર્ચ ક્ષેત્રે સક્રિય હતા. સ્કિઝોફ્રેનિયા અને માનસિક રોગો પરના તેમના સંશોધન માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે. તેણે ૨૦૦થી વધુ રિસર્ચ લેખ પ્રકાશિત કર્યા છે અને ૫ પુસ્તકો પણ લખ્યા છે. તેમના પિતા ફણી શર્મા આસામના જાણીતા થિયેટર કલાકાર, અભિનેતા અને દિગ્દર્શક હતા.