(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૨૧
અમેરિકામાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. કેલિફોર્નિયામાં ઓકલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે જૂનતીથની ઉજવણી દરમિયાન ૧૫ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. અહેવાલ મુજબ, કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફાયરિંગની આ ઘટના છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત બની છે. આ પહેલા ગત શનિવારે રાત્રે ટેક્સાસના રાઉન્ડ રોકમાં જુનટીન્થ સેલિબ્રેશન દરમિયાન ફાયરિંગ થયાના સમાચાર હતા.
હુમલાખોરે ભીડ પર ગોળીબાર કર્યો, જેના પરિણામે ત્રણ લોકોના મોત થયા. આ ફાયરિંગમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે.
ટેક્સાસમાં ગોળીબારની ઘટના ત્યારે બની હતી જ્યારે જુનટીન્થની ઉજવણી દરમિયાન વિક્રેતા વિસ્તાર નજીક બે જૂથો અથડાયા હતા. સાક્ષીઓએ જણાવ્યું કે આ અથડામણમાં કોઈએ બંદૂક કાઢી અને ગોળીબાર શરૂ કર્યો. તમને જણાવી દઈએ કે મિશિગનના રોચેસ્ટર હિલ્સમાં ઓર્બન્સ સ્પ્લેશ પેડ પર ગોળીબારના થોડા કલાકો બાદ જ ટેક્સાસમાં જૂનટીનથ સેલિબ્રેશનમાં ફાયરિંગ થયું હતું. ગોળીબારની આ ઘટનાઓ બાદ અમેરિકામાં બંદૂક સંબંધિત કાયદાઓ પર ફરી એકવાર નવી ચર્ચા જાગી શકે છે.