અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ૨૦૦ થી વધુ ઇમિગ્રન્ટ્સ ગાંજાના ખેતરોમાં છુપાયેલા હતા. પરંતુ યુએસ ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના દક્ષિણ કેલિફોર્નિયા, યુએસએની છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨ ગાંજાના ખેતરોમાં દરોડા પાડીને લગભગ ૨૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાની શંકા છે. આ દરોડો ગુરુવારે પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન, સ્થળ પર હાજર લોકોએ દરોડાની વિરુદ્ધ વિરોધ કર્યો, જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ. ભીડમાં ઘણા લોકો તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવા અને ઇમિગ્રેશન કાર્યવાહીનો વિરોધ કરવા માટે ત્યાં એકઠા થયા હતા. સ્થળ પર લાંબા સમય સુધી હોબાળો થયો. આ પછી, અધિકારીઓએ ઇમિગ્રન્ટ્સને પકડીને પોતાની સાથે લઈ ગયા.
યુએસ આંતરિક સુરક્ષા મંત્રાલયે માહિતી આપી કે આ દરોડો કા‹પટેરિયા અને કામરિલોમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ફોજદારી શોધ વોરંટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે દરોડા સમયે ઓછામાં ઓછા ૧૦ બાળકો પણ સ્થળોએ હાજર હતા. આ ઉપરાંત, અધિકારીઓ પર હુમલો કરવા અથવા તેમના કામમાં અવરોધ ઊભો કરવાના આરોપસર ચાર અમેરિકન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
દરોડામાં સામેલ એક ફાર્મ, ‘ગ્લાસ હાઉસ ફાર્મ્સ’, એક લાઇસન્સ પ્રાપ્ત ગાંજાના ઉત્પાદક છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમિગ્રેશન એજન્ટો માન્ય વોરંટ સાથે આવ્યા હતા અને કેટલાક કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે તેના કર્મચારીઓને કાનૂની સહાય પૂરી પાડવામાં મદદ કરી રહી છે. ગ્લાસ હાઉસે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેણે ક્યારેય જાણી જોઈને ગેરકાયદેસર ભરતી પ્રથાઓનું પાલન કર્યું નથી કે તેણે ક્યારેય સગીરોને રોજગાર આપ્યો નથી. નોંધનીય છે કે આ ખેતરમાં ટામેટાં અને કાકડી જેવા પાક પણ ઉગાડવામાં આવે છે.










































