૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ યુએસ સંસદ ભવન કેપિટોલ હિલ પર હુમલો ફરી એકવાર સમાચારમાં છે. આ હિંસામાં સામેલ ટ્રમ્પ સમર્થકો પર કેસ ચલાવનારા પ્રોસીકયુટર માઈકલ ગોર્ડને તેમની બરતરફીને રાજકીય રીતે પ્રેરિત બદલો લેવાની કાર્યવાહી ગણાવી છે. આ સાથે, તેમણે ગુરુવારે ફેડરલ સરકાર, ન્યાય વિભાગ અને રાષ્ટ્રપતિ કાર્યાલય સામે કેસ દાખલ કર્યો.
ગોર્ડન કહે છે કે તેમને ૨૭ જૂનના રોજ કોઈ સ્પષ્ટ કારણ વગર કાઢી મૂકવામાં આવ્યા હતા, ભલે તેઓ તેમની નોકરીમાં ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેપિટોલ રમખાણોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો સામે તેમણે લીધેલી કાનૂની કાર્યવાહીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માઈકલ ગોર્ડન સાથે, બે અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ પેટ્રિશિયા હાર્ટમેન અને જાસેફ ટિરેલ પણ આ કેસમાં વાદી છે.
હાર્ટમેન કોલંબિયા ડીસ્ટ્રીકટ માટે યુએસ એટર્ની આૅફિસમાં જનસંપર્ક અધિકારી હતા, જ્યારે ટિરેલ ન્યાય વિભાગના નૈતિકતા વિભાગના વડા હતા. આ ત્રણ એવા પ્રથમ લોકો છે જેમણે જાન્યુઆરી ૨૦૨૫ માં ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ન્યાય વિભાગમાં શરૂ થયેલા કથિત રાજકીય ફેરફારો સંબંધિત જાહેરમાં દાવો દાખલ કર્યો હતો. ગાર્ડન (૪૭ વર્ષ) એ કહ્યું કે તેમને બરતરફીના બે દિવસ પહેલા જ પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ મળ્યો હતો, જેમાં તેમને સૌથી વધુ રેટિંગ આપવામાં આવ્યું હતું.
ગાર્ડનને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારી પામ બોન્ડી દ્વારા સહી કરાયેલ એક પાનાનો બરતરફી પત્ર મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેમને આ માટે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ગોર્ડન ૨૦૧૭ માં યુએસ ન્યાય વિભાગમાં જાડાયા. તેમણે કહ્યું કે કેપિટોલ હિલ પરના હુમલાની ઐતિહાસિક તપાસમાં સામેલ થવાનો તેમને ગર્વ છે. તે ન્યાય વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી ગુનાહિત તપાસમાંની એક હતી.
ગોર્ડનનો મુકદ્દમો યુએસ ન્યાય વિભાગમાં સંભવિત રાજકીય હસ્તક્ષેપ અને બદલાની ઘટનાઓ તરફ નિર્દેશ કરે છે. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિબન્યા ત્યારથી, ન્યાય વિભાગમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને દૂર કરવામાં આવ્યા છે, પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે અથવા રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે.








































