અમેરિકાના આમંત્રણ પર વોશિંગ્ટન પહોંચેલા પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને મોટું અપમાન સહન કરવું પડ્યું છે. વોશિંગ્ટનમાં ડઝનબંધ પાકિસ્તાની-અમેરિકનોએ જનરલ અસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન કર્યું. પાકિસ્તાનીઓએ યુએસ આર્મી પરેડ દરમિયાન મુનીર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ વિરોધનો હેતુ યુએસ નીતિ નિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પાકિસ્તાનમાં સેનાની ભૂમિકા અને લોકશાહી પર તેની અસર તરફ દોરવાનો હતો.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) એ જનરલ અસીમ મુનીર સામે વિશાળ વિરોધનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ વોશિંગ્ટનમાં અસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમને પાકિસ્તાનમાં લોકશાહી જાઈએ છે, લશ્કરી શાસન નહીં.
આ પ્રદર્શન ત્યારે થયું જ્યારે જનરલ મુનીર યુનાઇટેડ સ્ટેટ્‌સ આર્મીની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત પરેડમાં હાજરી આપવા માટે અમેરિકાની મુલાકાતે હતા. પ્રદર્શનકારીઓ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને આવ્યા હતા, જેના પર પાકિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘન, લોકશાહીના દમન અને પત્રકારો પરના અત્યાચારો વિશે સૂત્રો લખેલા હતા. તેમણે જનરલ મુનીરને પાકિસ્તાનમાં લોકશાહીના ખૂની તરીકે રજૂ કર્યા. ઉપરાંત, મુનીરને રાજકીય અસ્થિરતા, ચૂંટણીઓમાં દખલગીરી અને સેનાની વધતી જતી રાજકીય ભૂમિકા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
વિરોધ સ્થળ પર હાજર એક પાકિસ્તાની-અમેરિકન નાગરિકે કહ્યું, “અમે અમેરિકાની ધરતી પરથી દુનિયાને આ સંદેશ આપવા માંગીએ છીએ કે પાકિસ્તાનના લોકો સેનાના અત્યાચારોની વિરુદ્ધ છે.” નોંધનીય છે કે જનરલ મુનીરને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની મુલાકાત દરમિયાન આયોજિત ૨૫૦મી યુએસ આર્મી પરેડમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પરેડ યુએસ આર્મીની સ્થાપનાની વર્ષગાંઠ તરીકે યોજવામાં આવી હતી, જેમાં ઘણા દેશોના લશ્કરી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.