અમદાવાદ જીય્ફઁ ગુરુકુલના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકાના સવાના સ્થિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરે હનુમાન જયંતિનો અદ્‌ભુત ઉત્સવ ઉજવાયો હતો. આ અવસર જીય્ફઁ ગુરુકુલ અમેરિકાના દશાબ્દી વર્ષ, દ્વાદશ જ્યોર્તિલિંગના તૃતીય પાટોત્સવ અને સનાતન મંદિરના સાતમા પાટોત્સવના ત્રિવેણી સંગમ સમાન હતો. આ પ્રસંગે પાંચ દિવસીય ‘ફેઈથ ઓફ ફેસ્ટિવલ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોથીયાત્રા, શ્રી સ્વામિનારાયણ ચરિતગાથા, ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડના ગાન સાથે હનુમાનજીનો પ્રાગટયોત્સવ તથા મહાભિષેક ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક સેવાની જ્યોત જલાવતા રક્તદાન કેમ્પ અને ‘ફર્સ્ટ રિસ્પોન્ડર્સ’ના લાભાર્થે યુનિટી વોક યોજાયા હતા. પૂજ્ય શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું, જ્યારે બાલવિકાસ કેન્દ્રના બાળકોએ શ્રીકૃષ્ણાવતાર પર આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મહોત્સવમાં સ્વામી માધવપ્રિયદાસજીએ ઓનલાઈન આશીર્વાદ આપ્યા હતા તથા પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. સમગ્ર મહોત્સવનું સંચાલન શાસ્ત્રી વેદાંતસ્વરૂપદાસજી સ્વામીએ સંભાળ્યું હતું અને અનેક સંતોએ આ મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.