(૧) વરસાદ સાથે કવિઓને કેવો નાતો છે કે બે છાંટા પડ્‌યા ને કલમ ઉપાડે?
વર્ષાબેન પંપાણિયા (રાજુલા)
વર્ષો પહેલાં વરસાદમાં એક કવિની તાજી લખેલી કવિતા પલળી ગઈ હતી.
(૨) પુરુષ પરણેલો છે કે બાકી એ કેમ ખબર પડે?
કટારિયા અમીત હિંમતભાઈ (કીડી)
એના મોટરસાઇકલની પાછળની સીટ દબાયેલી હોય તો પરણેલો હોઈ શકે!
(૩) પુરુષોના કપડા મહિલાઓ પહેરવા લાગી તો મહિલાના કપડા પુરુષ કેમ નથી પહેરતો..!
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
તમે પાંચ પુરુષોને તૈયાર કરો.. જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે!
(૪) કાગડા બધે જ કાળા તો સફેદ ક્યાં હશે.?
ગોબરભાઈ રણછોડભાઈ ધોરાળીયા (ભોયકા તા.લીંબડી)
કોઈ કાગડીના સપનામાં.
(૫) ગર્લફ્રેન્ડને ગુજરાતીમાં શું કહેવાય?
આસિફ કાદરી (રાજુલા )
વાહ, તમારો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ જોઈ મજા આવી ગઈ!
(૬) બ્યુટીપાર્લર બંધ કરી દેવામાં આવે તો શું થાય ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
ગામમાં બેરોજગારી અને ઘરમાં અરાજકતા સર્જાય!
(૭) મારા ઘરે ચકલીના બચ્ચાનું આકસ્મિક સ્વર્ગારોહણ થયેલ છે તો તેના મોક્ષાર્થે શું ક્રિયા કર્મ કરવું?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
બે પાંચ માળા ફેરવો અને બે પાંચ માળા વહેંચો!
(૮) તમારે કેટલા મામા છે?
રમાબેન પટેલ (અમદાવાદ)
મારે સગા મામા તો બે જ છે પણ મે મારી આવડત દ્વારા ગામમાં ઘણાંને મામા બનાવ્યા છે!
(૯) અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ જીતશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
જાહેરમાં હું કોઈનું નામ નહિ આપુ કેમ કે શેરબજારમાં તરત ઉથલપાથલ સર્જાય છે.
(૧૦) તમે તમારા પત્ની, મિત્રો અને કુટુંબીજનો સાથેના સંબંધોનું બેલેન્સ કઈ રીતે કરો?
સંગીતાબેન ધોરાજિયા (આણંદ)
મને આઘીપાછી કરવાની ટેવ નથી એટલે ચાલ્યા કરે છે!
(૧૧) કેસર કેરી પેલી વાર કોના દ્વારા ઉગાડવામાં આવી હતી?
જયેશ રાઠોડ (બાબરા)
લે, હજી તમે કેરી ભૂલ્યા નથી? અમે તો હવે ખલેલા ખાવા માંડ્‌યા!
(૧૨) માણસ ૩૨ લક્ષણો છે એ લક્ષણો ક્યા-કયા છે?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
તમે આગળ નીકળી ગયા છો. હું તો હજી માણસ ગોતું છું!
(૧૩) જિંદગીમાં આમલી ક્યારેય ખાધી ના હોય તો આમલી જોઈને મોમાં પાણી આવે?
કનુભાઈ પરમાર (દામનગર)
હજી એ નક્કી નથી થયું કેમ કે મોમાં પાણી આવે કે નહિ એની રાહ જોયા વિના જ બધા આમલી મોમાં નાખી દે છે.
(૧૪) વ્રત કરવાથી પતિ સારો મળે કે ના મળે ?
કવિતા ગોલાણી (ઇશ્વરિયા)
ઈશ્વરીયા રહો છો તો ઈશ્વર પર શ્રદ્ધા રાખો.
(૧૫) ગાયના દૂધ કરતાં ભેંસનાં દૂધની કિંમત કેમ વધારે છે ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
તમને હું એકેય એંગલથી તબેલાવાળો લાગુ છું?
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..