અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલા નોર્થ કેસ્કેડ્‌સ નેશનલ પાર્કમાં સિએટલના ત્રણ પર્વતારોહકોના મોત થયા છે. શેરિફ ઓફિસના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. ઓકાનોગન કાઉન્ટી શેરિફ ઓફિસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, માઝામાથી લગભગ ૨૬ કિલોમીટર દૂર આ અકસ્માત થયો હતો. આ અકસ્માત એક પહાડી વિસ્તારમાં થયો હતો જ્યાં બચાવ ટીમો પહોંચવામાં સફળ રહી હતી. આ વિસ્તાર પર્વતારોહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

શેરિફ ઓફિસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં રેન્ટનના ચાર પર્વતારોહકો નોર્થ અર્લી વિન્ટર્સ સ્પાયરના વિસ્તારમાં ઉતરી રહ્યા હતા. ૩૬, ૪૭ અને ૬૩ વર્ષના ત્રણ પર્વતારોહકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા. હેલિકોપ્ટર બચાવ ટીમોએ પર્વતીય પ્રદેશોમાંથી મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે શક્ય છે કે લેન્ડીંગ દરમિયાન એન્કર તૂટી ગયું હોય, જેના કારણે અકસ્માત થયો હોય. આ મામલાની તપાસ ચાલુ છે.

ઓકાનોગન કાઉન્ટીના અંડરશેરિફ ડેવિડ યાર્નેલે સિએટલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, એક પર્વતારોહકને પડવાથી આંતરિક અને માથામાં ઇજાઓ થઈ હતી, પરંતુ તે પોતાની કાર સુધી પહોંચવામાં સફળ રહ્યો અને ટેલિફોન બૂથ પરથી મદદ માટે ફોન કર્યો. ત્યારબાદ ઘાયલ પર્વતારોહકને સિએટલના હાર્બરવ્યુ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.