અમેરિકાના દિગ્ગજ અભિનેતા રે લિઓટાનું ૬૭ વર્ષની વયે અવસાન થયું છે. સમાચાર અનુસાર, તેઓ ડોમિનિકન રિપબ્લિકમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનું ઊંઘમાં જ મૃત્યુ થયું. તેમના સહકર્મી જેનિફર એલને જણાવ્યું કે, લિઓટા’ડેન્જરસ વોટર્સ’નું શુટિંગ કરી રહ્યા હતા. ત્યારે જ ઊંઘતા ઊંઘતા જ તેમનું મૃત્યુ થઈ ગયું.
રે લિઓટા ‘ગુડફેલસ’ ફિલ્મમાં મોબસ્ટર હેનરી હિલની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા, આ પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ સિવાય તેઓ ‘ફિલ્ડ ઓફ ડ્રીમ્સ’માં પણ જાવા મળ્યા હતા. અભિનેતાના નિધનના સમાચાર સાંભળીને હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીના તમામ સ્ટાર્સ શોકમાં છે.
‘ગુડફેલસ’ ફિલ્મમાં રોઓટાની સાથે કામ કરી ચૂકેલી લોરેન બ્રેકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા રણવીરસિંહ અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
રણવીર સિંહે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી દિગ્ગજ હોલિવૂડ અભિનેતા માટે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં રણવીર સિંહે રે લિઓટાની તસવીર શેર કરી છે. રણવીર સિંહે એક્ટર રે લિઓટાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે.