મૂડીઝ રેટિંગ્સે બુધવારે જણાવ્યું હતું કે યુએસ ટેરિફને કારણે ભારતને કોઈ નુકસાન થશે નહીં અને ભારતીય અર્થતંત્ર મજબૂત રહેશે. “ભારતની વિશાળ સ્થાનિક અર્થવ્યવસ્થા, નિકાસ પર ઓછી નિર્ભરતા અને સ્થાનિક વપરાશ વધારવા, ઉત્પાદન ક્ષમતા વધારવા અને માળખાગત સુવિધાઓ પર ખર્ચ વધારવા માટે સરકારી પહેલ વૈશ્વીક વેપાર જોખમોને ઘટાડવામાં મદદ કરશે,” મૂડીઝે જણાવ્યું હતું. આનાથી ફુગાવો ઘટશે અને મજબૂત બેંકિંગ પ્રવાહિતાને ટેકો મળશે. ઉભરતા બજારો પરના તેના અહેવાલમાં, મૂડીઝે જણાવ્યું હતું કે યુએસ નીતિ ફેરફારો અને વૈશ્વીક અનિશ્ચિતતા વચ્ચે ભારતના આંતરિક વિકાસ ચાલકો અર્થતંત્રને સ્થિરતા પ્રદાન કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના તાજેતરના તણાવની ભારત કરતાં પાકિસ્તાનના વિકાસ પર વધુ નકારાત્મક અસર થવાની શક્યતા છે.
“કેન્દ્ર સરકારનો માળખાગત સુવિધાઓ પરનો ખર્ચ જીડીપી વૃદ્ધિને ટેકો આપી રહ્યો છે, જ્યારે વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો વપરાશને વધારી રહ્યો છે. ભારતની વેપાર પર મર્યાદિત નિર્ભરતા અને તેનું મજબૂત સેવા ક્ષેત્ર યુએસ ટેરિફ માટે શમનકારક છે,” અહેવાલમાં જણાવાયું છે. તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, “જો વેપાર વાટાઘાટો અન્ય ઉભરતા બજારો કરતાં ભારત પર ઓછા ટેરિફ તરફ દોરી જાય છે, તો ભારતમાં બનેલા માલને પણ યુએસની વધતી માંગનો ફાયદો થઈ શકે છે. વૈશ્વીક અસ્થિરતા છતાં, ભારતના મજબૂત બેંકિંગ બજારો અને સ્થિર ક્રેડિટ સ્થિતિ તેની આર્થિક શક્તિ પર ભાર મૂકે છે.”
જોકે, મૂડીઝે ચેતવણી આપી હતી કે વૈશ્વીક આર્થિક અને ક્રેડિટ સ્થીતિમાં વધુ બગાડ ભારત પર પણ નકારાત્મક અસર કરશે. દરમિયાન, રેટિંગ એજન્સીને અપેક્ષા છે કે ભારતમાં વીજળી, પરિવહન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂત માંગ આગામી પાંચથી સાત વર્ષોમાં નોંધપાત્ર મૂડી રોકાણ આકર્ષિત કરશે. “મોટાભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેટાક્ષેત્રો પર યુએસ ટેરિફની અસર ન્યૂનતમ હોવાની શક્યતા છે, કારણ કે તેઓ મોટે ભાગે સ્થાનિક માંગને પૂર્ણ કરે છે અને સહાયક નિયમનકારી અથવા કરારગત વ્યવસ્થાઓથી લાભ મેળવે છે,” તે જણાવે છે.