(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૧૨અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં ૩૦થી વધુ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને આ દુર્ઘટનામાં ૫૫થી વધુ લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને ૧૦૦ થવાની આશંકા છે. કેન્ટકીના ઈતિહાસમાં આ સૌથી ભયાનક રાત હતી. અર્કાન્સાસથી કેન્ટકી થઈને છ રાજ્યોમાં નાના-મોટા ૩૦થી વધુ વાવાઝોડાં ભારે વિનાશ વેર્યો છે તેમ કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું. વાવાઝોડાનાં કારણે સાત રાજ્યોમાં ૩.૪૦ લાખથી વધુ ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો.
મિસૌરી, ટેનેસી અને મિસિસિપ્પીના અનેક ભાગોમાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો હોવાના અહેવાલો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક વાવાઝોડા અથવા અનેક વાવાઝોડાઓએ આર્કાન્સાસ અને કેન્ટકી એમ બે રાજ્યોમાં ૩૨૨ કિ.મી. લાંબા વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે. ઈલિનોઈસ અને આર્કાન્સાસમાં પણ અનેક લોકોનાં મોત થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે એડવર્ડ્‌સવિલેના ઈલિનોઈસ શહેરમાં અમેઝોનનું એક ગોડાઉન તૂટી પડયું હતું, જેમાં બેલોકોનાં મોત થયા હતા.કેન્ટકીના ગવર્નર બેશિયરે કહ્યું કે વાવાઝોડાના કારણે કેન્ટકીમાં ૫૦થી વધુ લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને ૧૦૦થી વધુ થવાની આશંકા છે અને વાવાઝોડાના કારણે ગ્રેવ્સ કાઉન્ટી કોર્ટ હાઉસ અને આજુબાજુની જેલો સહિત અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે. મિસૌરી નજીક વાવાઝોડાના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે.વાવાઝોડાના કારણે તીવ્ર પવન ફૂંકાવાની સાથે અનેક જગ્યાએ કરાંવૃષ્ટિ પણ થઈ હતી. પૂર્વીય અમેરિકાના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરે અગાઉ ઓહાયો અને ટેનેસીની ખીણોમાંથી ઉત્તરીય ખાડી રાજ્યોમાં તીવ્ર આંધી ફુંકાવાની આગાહી કરી હતી. અહેવાલ મુજબ મોનેટમાં અધિકારીઓએ ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરી છે અને રહેવાસીઓને સલામત સ્થળે આશ્રય લેવા જણાવ્યું છે.