અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવીને ઘાતક બોમ્બમારો કર્યો છે. અમેરિકા દ્વારા તાજેતરના હુમલાઓ હુથીઓના કબજા હેઠળના રાસ એસા તેલ બંદર પર કરવામાં આવ્યા છે. અમેરિકાના હવાઈ હુમલામાં ૨૦ લોકો માર્યા ગયા છે અને ૫૦ અન્ય ઘાયલ થયા છે. હુથી બળવાખોરોએ આ હુમલાની માહિતી આપી છે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાઓની પુષ્ટિ કરી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૂચના મળ્યા બાદ, અમેરિકન સેના ૧૫ માર્ચથી હુથી બળવાખોરો સામે ઝડપી હુમલાઓ કરી રહી છે. અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં માર્યા ગયેલા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. હુથી બળવાખોરોની ન્યૂઝ ચેનલે હુમલા પછીની ઘટનાના ગ્રાફિક ફૂટેજ પ્રસારિત કર્યા હતા, જેમાં ઘટનાસ્થળે મૃતદેહો પથરાયેલા જોવા મળ્યા હતા.
યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઈરાન સમર્થિત હુતી આતંકવાદીઓ માટે બળતણના આ સ્ત્રોતને ખતમ કરવા અને તેમને તે ગેરકાયદેસર આવકથી વંચિત રાખવા માટે યુએસ સેનાએ આ કાર્યવાહી કરી છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “આ હુમલાનો હેતુ યમનના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો. યમનના લોકો હુથીઓથી મુક્તિ ઇચ્છે છે અને શાંતિથી રહેવા માંગે છે.”
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે હુતી બળવાખોરોને ‘અંસાર અલ્લાહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હુથીઓ યમનમાં સક્રિય છે અને તેમને શિયા મુÂસ્લમ બળવાખોર જૂથ માનવામાં આવે છે. હુથી ચળવળ ૧૯૯૦ ના દાયકામાં શરૂ થઈ હતી. ૨૦૧૪-૨૦૧૫માં, હુથી બળવાખોરોએ યમનની રાજધાની સના પર કબજા કર્યો.









































