યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારી માઇક બેન્ઝના એક દાવાએ હંગામો મચાવી દીધો છે.અહેવાલ મુજબ, બેન્ઝે દાવો કર્યો છે કે મીડિયા પ્રભાવનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયા સેન્સરશીપને પ્રોત્સાહન આપીને અને વિપક્ષી ચળવળોને નાણાકીય સહાય પૂરી પાડીને, અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાએ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુએસએઆઇડી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બેન્ઝના દાવાએ હલચલ મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ આ કામ પાછળ ઘણા પૈસા ખર્ચ્યા. બેન્ઝના દાવા મુજબ, ભારતમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી પીએમ મોદીની પાર્ટી ભાજપ સફળ ન થઈ શકે. તેમણે આરોપ લગાવ્યો કે ફેસબુક, યુટ્યુબ, વોટ્‌સએપ અને ટ્વીટર જેવી વિવિધ સોશિયલ મીડિયા કંપનીઓ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા મોદી તરફી સામગ્રીને બ્લોક કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે યુએસએઆઇડીએ યુએસ સરકારનું એક સ્વતંત્ર સંગઠન છે, જે વિકાસશીલ દેશોને આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડે છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના લગભગ તમામ પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં સત્તામાં ખૂબ જ નાટકીય ફેરફારો થયા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ, ભારતીય જનતા પાર્ટી છેલ્લી ૩ ચૂંટણીઓમાં પહેલીવાર પોતાના દમ પર બહુમતીથી ઓછી રહી. તાજેતરમાં, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે યુએસએઆઇડીએ ભારતના વિભાજન માટે અનેક સંસ્થાઓને ભંડોળ પૂરું પાડ્યું છે. આવી સ્થિતિમાં, બેન્ઝના દાવા કે અમેરિકાએ પીએમ મોદીને હરાવવા માટે કાવતરું ઘડ્યું હતું, તેનાથી દુબેના આરોપોને મજબૂતી મળી છે.