અમેરિકાએ ઈરાનથી તેલ આયાત કરતી ચીની રિફાઇનરી ટીપોટ રિફાઇનરી સામે કડક પગલાં લેતા અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. ઈરાન સાથે બગડતા સંબંધો વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને ઈસ્લામિક દેશ પર દબાણ વધારવાના હેતુ તરીકે જાવામાં આવી રહ્યું છે. આ સાથે, ઈરાનને આર્થિક રીતે નબળું પાડવા માટે, ટ્રમ્પ તેની તેલ નિકાસ પણ બંધ કરવા માંગે છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક ચીની રિફાઇનરીને ઈરાન પાસેથી ૧ બિલિયનથી વધુ મૂલ્યનું ક્રૂડ ઓઇલ ખરીદવાનો આરોપ મૂક્યો હતો.
ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, આ વ્યવહારોમાંથી મળેલી રકમનો ઉપયોગ ઈરાની સરકારી કામગીરી અને આતંકવાદી સંગઠનોને ટેકો આપવા માટે થાય છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા ઇટાલીની રાજધાની રોમમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાતચીત શરૂ થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રથમ રાઉન્ડની વાતચીત ઓમાનમાં થઈ હતી. જાકે, ઈરાને રોમમાં યોજાનારી વાટાઘાટો અંગે કેટલીક શરતો પણ મૂકી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ બુધવારે કહ્યું હતું કે તેઓ યુરેનિયમ સમૃદ્ધ કરવાના અધિકાર પર કોઈ સમાધાન કરશે નહીં.
“યુએસએ પહેલાથી જ શિપમેન્ટમાં સામેલ ડઝનબંધ વ્યક્તિઓ અને જહાજા સામે કાર્યવાહી કરી છે. કોઈપણ રિફાઇનરી, કંપની અથવા બ્રોકર જે ઈરાની તેલ ખરીદશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે,” યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. “યુએસ કહે છે કે ઈરાની શાસન આતંકવાદી પ્રોક્સીઓ અને ભાગીદારોને ટેકો આપવા માટે તેલની આવકનો ઉપયોગ કરે છે.” ઈરાન પર લેબનોનના હિઝબુલ્લાહ, ગાઝાના હમાસ અને યમનના હુથી સહિત અનેક આતંકવાદી જૂથોને ટેકો આપવાનો આરોપ છે, જેમણે આંતરરાષ્ટ્રીય શિપિંગ પર હુમલા કર્યા છે.