(એ.આર.એલ),અમેઠી,તા.૯
અમેઠીમાં ભીષણ અકસ્માત થયાની ઘટના સામે આવી. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રાત્રે ૨ વાગ્યે મુસાફરોથી ભરેલી બસ અજાણ્યા વાહન સાથે અથડાઈ અને પલટી ગઈ. આ ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા હતા, જ્યારે ૧૨ ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સોમવારે ૫૫-૬૦ મુસાફરો ખાનગી બસમાં દિલ્હીથી સિવાન જઈ રહ્યા હતા. રાત્રે ૨ વાગ્યે, બસ પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ૬૮.૮ કિમી દૂર બજારશુકુલ વિસ્તારમાં પહોંચી, જ્યાં બસ અજાણ્યા વાહન સાથે અથડાઈ. ટક્કર બાદ બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ.
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર હોબાળો થયો હતો. પોલીસે તાકીદે બસમાં બેઠેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ૧૨ મુસાફરો ઘાયલ થયા છે. તમામ મુસાફરોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણની હાલત ગંભીર જણાતાં તેમને જિલ્લા હોસ્પટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. મૃતક મુસાફરોની ઓળખ થઈ શકી નથી. ઘટના બાદ પોલીસ અધિક્ષક અનુપ કુમાર સિંહ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકની ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.