ભારત દેશમાં આપણી હિન્‍દુ સંસ્‍કૃતિમાં પૌરાણિક સમયથી જ વૃક્ષોને ધાર્મિક મહત્‍વ આપી રક્ષણ આપેલું છે એટલું જ નહી પણ આ વૃક્ષોને જુદા જુદા પર્વો સાથે સાંકળીને તેની પૂજા કરવામાં આવે છે. જેમ કે વટ સાવિત્રીના વ્રતમાં સ્‍ત્રીઓ વડની પૂજા કરે છે. મહાદેવના મંદિરે પીપળાના વૃક્ષની પૂજા થાય છે. આમ કેટલાય વૃક્ષોને ધાર્મિક પર્વો સાથે સાંકળીને રક્ષણ આપેલું છે. પ્રત્‍યેક વનસ્‍પતિ માનવના આરોગ્‍ય માટે ઉપયોગી છે. આમળા પણ આમાનું એક છે.
આમળાનું શાસ્‍ત્રીય નામે અંબાલીકા ઓફીસીનાલીસભ છે. તેનું વાવેતર બીયારણથી કરવામાં આવે છે. ગ્રાફટીંગ (આંખ કલમ) થી વધુ ઉતારો આપતી જાતો ઉછેરી શકાય છે.
આમળાને રેતાળ ગોરાડુ સારા નીતારવાળી જમીન વધારે માફક આવે છે. આમ છતાં ક્ષાર યુકત જમીન વધારે માફક આવે છે. ક્ષાર યુકત જમીન સિવાય ગમે તેવી ખરાબ પડતર જમીનમાં ઉગાડી શકાય છે. સુકા અને અર્ધસુકા વિસ્‍તારમાં આમળાનો પાક વધારે સારી રીતે લઈ શકાય છે. જે જમીનનો પી.એચ. આંક ૮.પ કરતા વધારે હોય ત્‍યાં, તેમજ જમીન ચુનાના પથ્‍થરવાળી હોય તો ત્‍યાં આમળાના વૃક્ષોનો વિકાસ સારો થતો નથી. સામાન્‍ય રીતે વર્ષમાં જૂન માસમાં રોપણી કરવામાં આવે છે.
આમળાની વાવણી માટે ૬૦×૬૦×૬૦ સે.મી. માપના ખાડા ઉનાળામાં કરી સારી ગુણવતાના છાણીયા ખાતરને માટી સાથે ભેળવી ખાડા વરસાદ પહેલાં ભરી તૈયાર રાખવા.
આમળાની વાવણી ૮×૮ કે ૧૦×૧૦ મીટરે થઈ શકે. ૬૦ સે.મી. માપના ખાડામાં ઉનાળામાં કોહવાયેલું છાણીયું ખાતર અને પાણી ભેળવી ખાડા વરસાદ પહેલાં ભરી તેમાં પહેલા વરસાદે આમળાના છોડ રોપી દેવા. આમળા સાથે શરૂઆતના વર્ષોમાં આંતર પાક તરીકે શાકભાજી, મગફળી, કઠોળ વિગેરે લઈ શકાય છે.
આમળાના છોડને એક થડે વધવા દેવા બાકીની ફુટ કાપી દૂર કરવી. ત્‍યારબાદ સામાન્‍ય રીતે આમળાને કેળવણી કે છાંટણી જરૂરી નથી. આમળાના વૃક્ષને છાંયો જરા પણ માફક આવતો નથી. વધારે વરસાદવાળા વધુ પડતા ભેજવાળા વિસ્‍તારમાં આમળા સારા થતાં નથી.
આમળાના ઉછરતા છોડને ઉનાળામાં ૧૦ થી ૧ર દિવસે અને શિયાળામાં ર૦ દિવસે પાણી આપવું. સેન્દ્રિય ખાતરના વપરાશથી ઉત્‍પન્‍ન કરેલ આમળાના બજારભાવ સારા મળે છે.
આમળાનું ઉત્પાદન ૧૦૦ થી ૧પ૦ કિલો ઝાડ દીઠ મળે છે. એક હેકટરમાં ૧પપ આમળાના વૃક્ષ ગણતા ૧પ.પ ટન ઉત્‍પાદન મળે.
ગુણવતા પ્રમાણે લીલા આમળાનો ભાવ રૂ.૧પ થી રૂ.૩પ/- પ્રતિ કિલો તથા સુકવેલ આમળાના રૂ.૪૦/- થી રૂ.પ૦/- સુધીના અને ઉગવાલાયક ચોખ્‍ખા બીજનો ભાવ રૂ.૯૦૦/- થી ૧૧૦૦/- પ્રતિ કિલો હોય છે.
દેશમાં આમળાની લગભગ-ર૦ જુદી જુદી જાતોની ખેતી થાય છે. જે પૈકી આણંદ ખેતીવાડી સંસ્‍થા ખાતે ચકાસણીઓ બાદ ગુજરાત-આણંદ ૧-ર જાતો ગુણવત્તા તેમજ ઉંચા ઉત્‍પાદનને કારણે ગુજરાત માટે વધુ ઉપયુકત જણાયેલ છે.
નડિયાદ, ગોધરા, અમદાવાદ વિગેરે તમામ શહેરો આમળા માટેના મોટા તૈયાર બજારો છે. વધુમાં હજુ મર્યાદિત ઉત્‍પાદન અને વૈદ્યોનું માનીતું ઔષધ હોઈ તથા ખુબ જ ઉંચા પોષણ તથા ઔષધિય મૂલ્‍યને કારણે ગામડા ગામના સ્‍થાનિક વેપારી પણ ખરીદી લે છે.
આમળા જીવનફળ ગણાય છે. વીટામીન સી પ્રચુર માત્રામાં તેમાં હોય છે. ઉપરાંત કેલ્‍શીયમ, લોહ, ફોસ્‍ફરસ, કેરોટીન, થાયમીન ધરાવે છે. આમળા શકિતવર્ધક છે. તેમાનું લોહતત્‍વ લોહી શુધ્ધ કરે છે. કબજીયાત દૂર કરે છે. દાંત, ચામડી તથા પેટના રોગોમાં ઉપયોગી છે. મધુપ્રમેહને નિયંત્રણમાં રાખે છે. પિત, વાયુ, કફ તથા ગરમી નાશક છે. આમળામાંથી ચ્‍યવનપ્રાશ (જીવન) આમળા ચૂર્ણ,આમળાનો મુરબ્‍બો, ચટણી, અથાણું,આમળા કેન્‍ડી, આમળા રસ જેવી અનેક બનાવટો બનાવાય છે. આમળાનું નિત્‍ય સેવન કરનાર દીર્ધાયુષ્‍યને પામે છે. આમ આમળા અત્‍યંત આરોગ્‍યવર્ધક છે.