પંજાબના અમૃતસર જિલ્લાના સરહદી વિસ્તારમાં બીએસએફએ એક કિલોગ્રામથી વધુ હેરોઈન જપ્ત કર્યું છે. બીએસએફએ બે દાણચોરોની પણ ધરપકડ કરી છે. હેરોઈનની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓ અને પંજાબ પોલીસ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના કર્મચારીઓએ છોટા ફતેહવાલ ગામ નજીકથી બે દાણચોરોની ધરપકડ કરી.
પોલીસે જણાવ્યું હતું કે દાણચોરો પાસેથી ૧.૧ કિલો વજનના હેરોઈનના બે પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ સારંગ દેવ ગામના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે બંને ડ્રોન દ્વારા પાકિસ્તાનથી ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હતા. હાલમાં પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
વહેલી સવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીકના એક ખેતરમાંથી એક પિસ્તોલ અને બે મેગેઝિન મળી આવ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે,બીએસએફ સૈનિકોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને ફિરોઝપુરના કમલેવાલા ગામને અડીને આવેલા એક ખેતરમાંથી એક ગ્લોક પિસ્તોલ, બે મેગેઝિન અને ૩૫ ગ્રામ શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત કર્યા. અધિકારીએ જણાવ્યું કે પિસ્તોલ, મેગેઝિન અને ડ્રગ્સ પીળી ટેપની મદદથી ચોંટાડવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે બીએસએફ ગુપ્તચર શાખા પાસેથી મળેલી વિશ્વસનીય માહિતી અને બીએસએફ સૈનિકો દ્વારા ત્વરિત કાર્યવાહીથી ફરી એકવાર સરહદ પારથી શસ્ત્રઅને માદક દ્રવ્યોની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ડ્રોન દ્વારા ડ્રગ્સની દાણચોરીના કિસ્સાઓ નોંધાયા છે. બીએસએફ સતત ડ્રોન અને દાણચોરો પર નજર રાખી રહ્યું છે.