સહકારી ક્ષેત્રમાં અતિ મહત્વ ધરાવતી અને દેશ-વિદેશમાં નામના મેળવનારી અમૂલ ડેરીની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી ૧૦મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં કુલ ૧૨૧૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં સૌથી વધુ મતદારો આણંદ વિસ્તારમાં નોંધાયેલા છે.
અમૂલ નિયામક મંડળની ૧૨ બ્લોકવાઈઝ બેઠકો અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી કુલ ૧૩ બેઠકો માટે આ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટેનું જાહેરનામું મંગળવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું. તે પહેલાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ ૬૧ જેટલી વાંધા અરજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં આવી હતી. આ તમામ વાંધા અરજીનું નિરાકરણ કર્યા બાદ ૨૧ અરજી માન્ય ગણાઈ હતી, જ્યારે બાકીની ૪૦ અરજી રદ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, પ્રાંત અધિકારી દ્વારા આ મતદારોની અંતિમ યાદી તમામ રાજકીય પક્ષોને સોંપવામાં આવી હતી. કુલ ૧૨૫૭ નામોમાંથી વાંધા બાદ ૧૨૧૦ મતદારોના નામ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. બ્લોકવાઈઝ મતદાર સંખ્યાની વાત કરીએ તો આણંદઃ ૧૧૦, ખંભાતઃ ૧૦૫,બોરસદઃ ૯૩,પેટલાદઃ ૮૯,ઠાસરાઃ ૧૦૭, બાલાસિનોરઃ ૯૪,કઠલાલઃ ૧૦૪,કપડવંજઃ ૧૧૨,મહેમદાવાદઃ ૧૦૪,માતરઃ ૯૦, નડિયાદઃ ૧૦૭,વીરપુરઃ ૯૫
આ રીતે કુલ ૧૨૧૦ મતદારોના નામ સાથે અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદી જાહેર થતાં જ ચૂંટણીના મિજાજમાં ગરમાવો આવી ગયો છે. સહકારી ક્ષેત્રમાં અમૂલ જેવી પ્રતિષ્ઠિત ડેરીની ચૂંટણી હંમેશાં રાજકીય રીતે સંવેદનશીલ રહી છે, કેમ કે ડેરીના સંચાલનમાં સીધી અસર ગ્રામ્ય અર્થતંત્ર અને દૂધ ઉત્પાદકોના હિતો પર પડે છે.
આ ચૂંટણીમાં પરંપરાગત રીતે બે મુખ્ય જૂથો વચ્ચે હરીફાઈ રહે છે, જેમાં વર્તમાન સંચાલક મંડળ અને વિરોધી જૂથ બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહે છે. સ્થાનિક નેતાઓ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠા સાથે જોડાયેલી ગણાય છે, કારણ કે અમૂલ ડેરીનુ બોર્ડ સહકારી ક્ષેત્રમાં શક્તિશાળી માનવામાં આવે છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૧૦મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને ત્યાર બાદ મતગણતરી પૂર્ણ થતાં જ વિજેતા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક રહેશે અને તમામ પ્રક્રિયાઓ ગુજરાત સહકારી સંસ્થાઓ અધિનિયમ મુજબ હાથ ધરવામાં આવશે. અમૂલ ડેરીની ચૂંટણી માત્ર સહકારી ક્ષેત્રની ચૂંટણી નથી, પરંતુ ગ્રામ્ય રાજકારણ અને સહકારી સંચાલનની દિશા નક્કી કરનારી મહત્વની પ્રક્રિયા છે. તેથી, ૧૦મી સપ્ટેમ્બરના મતદાનના પરિણામ પર સૌની નજર રહેશે.






































