ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે તેમની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને ગુજરાતમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં જનતા અને કાર્યકરોના કારણે અમને ઓળખ મળી છે. આ સાથે સંજય સિંહે ભાજપ પર પ્રહાર કરીને કહ્યુ કે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ દ્વારા ૧૧ રાજ્યોમાં કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થયા છે.
સંજય સિંહે કહ્યુ કે કોઈપણ પાર્ટી હારવા માટે નહિ પરંતુ જીતવા માટે જ ચૂંટણી લડે છે. આ રીતે જાશો તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ રાજકારણના ચાણક્ય ગણાય છે. ૨૦૧૮થી ૧૧ ચૂંટણીમાં તેમના દાવા ખોટા સાબિત થયા છે. સંજય સિંહે કહ્યુ કે દિલ્લી, હરિયાણા, બંગાળ, મહારાષ્ટ્ર અને બિહારને લઈને અમિત શાહના ચૂંટણી દાવા ખોટા સાબિત થયા છે.
પીએમ મોદી વડાપ્રધાન બન્યા બાદ બંગાળ ગયા તો ૨૦૧૬માં તેમને બંગાળમાં ત્રણ સીટો મળી હતી. આ પછી ૨૦૧૯માં જ્યારે પીએમે ખૂબ જ મહેનત કરી ત્યારે આંધ્રપ્રદેશની તમામ ૧૭૩ બેઠકો પર ભાજપની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ૨૦૧૯માં ભાજપને ૦.૮ ટકા વોટ મળ્યા હતા. કેરળમાં ૪૦ વર્ષ સુધી ભાજપને એક પણ સીટ મળી ન હતી. ૪૦ વર્ષમાં ભાજપને તમિલનાડુમાં માત્ર ૮ સીટ મળી હતી.
સંજય સિંહે વધુમાં કહ્યુ કે અમારી આમ આદમી પાર્ટી ભારતમાં સૌથી ઝડપથી વિકસતી રાષ્ટ્રીય પાર્ટી છે. હું મારી ખુશી વ્યક્ત કરવા માંગુ છુ કે આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આજે આપના નેતાઓ ખુશ છે કે અમારી પાર્ટીએ દસ વર્ષમાં આટલુ સારુ અંતર કાપ્યુ છે.
સંજય સિંહે કહ્યુ કે ગુજરાતની જનતાએ આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવી છે. તેમણે કહ્યુ કે આપ માત્ર ૧૦ વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. આ પાર્ટીના વિકાસની ગતિ છે. અમને ગુજરાતમાં લગભગ ૩૫ લાખ મત મળ્યા છે. ગુજરાત પીએમ મોદી અને અમિત શાહનો ગઢ છે. ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સત્તા પર છે અને એ કિલ્લામાં ઘૂસણખોરી કરવાનુ સરળ કામ નહોતુ. આપે ભાજપના ગઢમાં પ્રવેશ કરી દીધો છે.