ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના ૧૦૦૦ એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શરૂઆતથી જ આ શો હોસ્ટ કરતાં આવ્યા છે. ત્યારે ૧૦૦૦માં માઈલસ્ટોન એપિસોડની ઉજવણીમાં અમિતાભ બચ્ચન સાથે દીકરી શ્વેતા બચ્ચન નંદા અને દોહિત્રી નવ્યા નવેલી નંદા જોવા મળશે. અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પરથી એક તસવીર શેર કરી છે જેમાં બચ્ચન પરિવારના ત્રણેય સભ્યો ફોર્મલ કપડાંમાં જોમી રહ્યા છે. તસવીરમાં જોઈ શકો છો કે બિગ બી પ્રેમથી પોતાની દીકરી શ્વેતાને નિહાળી રહ્યા છે જ્યારે તેમની બાજુમાં દોહિત્રી નવ્યા છે. આ તસવીર શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, દીકરીઓ શ્રેષ્ઠ હોય છે. નાનાની પોસ્ટ પર નવ્યાએ તરત જ કોમેન્ટ કરતાં લખ્યું, લવ યુ. રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, મૌની રોય જેવા કલાકારોએ પણ બિગ બીની તસવીર પર પ્રેમ વરસાવ્યો છે. કૌન બનેગા કરોડપતિ’ના ૧૦૦૦મા એપિસોડ વિશે વિસ્તારથી વાત કરતાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, “‘કૌન બનેગા કરોડપતિ’ના ૧૦૦૦મા એપિસોડને પૂરતું સન્માન આપવામાં આવ્યું છે. ચેનલ તરફથી વિનંતી કરવામાં આવી હતી કે, આ ખાસ એપિસોડમાં મારા પરિવારના સભ્યો શોમાં આવે અને હોટસીટ પર બેસે. કન્ટેસ્ટન્ટ્‌સ’ની ક્ષમતા ચકાસવાનો મોકો મળ્યો તેનો આનંદ છે, સાથે જ ઘણાં લોકોએ જે અનુભવ્યું છે તે બંધ બારણામાં જ રહ્યું છે પરંતુ તેમને એ જણાવવાની સ્વતંત્રતા પણ આપી. ફેમિલી ડાઈનિંગ ટેબલ પર જોવા મળતું બોન્ડ અને હાસ્યભરી વાતો અહીં કરવાની તક મળી અને તેનાથી પણ વિશેષ આ ઉંમરની યુવતી વિવિધ મુદ્દા અને કામ વિશે શું વિચારે છે તે પણ જોણી શકાયું. પપ્પા અને નાના માટે એક ગૌરવશાળી સાંજ હતી”, તેમ બિગ બીએ બ્લોગમાં ઉમેર્યું હતું. જણાવી દઈએ કે, ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ છેલ્લા ૨૦ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. અમિતાભ બચ્ચન શોની ત્રીજી સિવાય દરેક સીઝનના હોસ્ટ રહી ચૂક્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ ૩’ને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. મહામારીના કારણે ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’ ઓડિયન્સ વિના શૂટ કરવામાં આવ્યું હતું. જ્યારે ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’માં લાઈવ ઓડિયન્સ હોય છે અને કોવિડના નિયમોના પાલન સાથે શૂટિંગ થાય છે.