મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા ચર્ચાનું કેન્દ્ર બની છે, પરંતુ કોઈ રાજકીય નીતિ કે વચનોને લઈને નહીં, બલ્કે એક લાફાકાંડને કારણે ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ જન્મ્યો છે. આ વિવાદ આપની સભામાં એક વ્યક્તિને લાફો મારવાને કારણે થયો છે.
સોમવારે મોરબીના રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ યોજાયેલી સભામાં એક યુવકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ અને યમુના નદીની સફાઈ અંગે સવાલ પૂછ્યો. પરંતુ આ સવાલના જવાબમાં આપના કાર્યકરે યુવકને લાફો ઝીંકી દીધો. આ લાફાકાંડને ઈસુદાન ગઢવીએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું તો, ભાજપે કહ્યું કે, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવું એ આમ આદમી પાર્ટીની ફિલસૂફી છે.
આ ઘટનાએ વિવાદને વધુ હવા આપી જ્યારે આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ધમકીભર્યા ટોનમાં કહ્યું,”અમારો કાર્યકર તમાચો મારશે, અમને કોઈનો ડર નથી.” આ નિવેદનથી રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓએ જન્મ લીધો છે. પીડિત યુવકે આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પગલાં ભર્યાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટના સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને ઘણા પૂછી રહ્યા છે – શું લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો છે?
મોરબીનો આ લાફાકાંડ ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ ઉભો કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો આ ઘર્ષણ આગામી દિવસોમાં કયું વળાંક લેશે, તે તો સમય જ બતાવશે.






































