બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ કરાયો હતો. ત્યારે કોંગ્રેસની જનવેદના સભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જીભ લપસી હતી. મહિલા સુરક્ષા મુદ્દે સરકાર પર પ્રહાર દરમિયાન અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ મુદ્દે રાજકીય માહોલ
ગરમાયો છે. સવાલ એ છે કે, રાજકીય હુંસાતુંસીમા આ પ્રકારનું વાણીવિલાસ કેટલુ શોભનીય છે? રાજકીય પ્રહાર સમજી શકાય, પણ અપશબ્દનો મારો જોહેરમાં કરવો તે કેટલુ યોગ્ય કહેવાય.
ગેનીબેન ઠાકોરએ જનમેદનીને સંબોધી હતી, જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ચોર કોટવાલને દંડે તેવી ભાજપની વાત છે. એમની તાકાત નથી કે જીગ્નેશ, ગેનીબેન કે ગુલાબસિંહને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકારે જેની પર ખોટી ફરિયાદો કરી છૅ તે કેસ પાછા ખેંચવાની લડત છે. તાકાત હોય તો ગુલાબસિહ, ગેનીબેન કે જીગ્નેશ પર કેસ કરો. ઢીમામાં ચૂંટણી જીતવા કન્ટેનર ભરીને દારૂ લાવવામાં આવે. ક્યાં સુધી આ લોકો યુવાનોને બરબાદ કરવા આવા ધંધા કરશે.
બસ, અહીંથી આગળ બોલતા ગેનીબેનને જીપ લપસી હતી. તેઓએ જોહેરમાં જનમેદની સામે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. અપશબ્દો બોલીને તેમણે કહ્યુ કે, તમારા રાજ્યમાં બહેન-દીકરીઓ સુરક્ષિત નથી. તમે અમને આગેવાન તરીકે સ્વીકાર્યા છૅ ત્યારે સમાજ સમાજ વચ્ચેના મન ભેદો દૂર થાય તેવી સ્થિતિ ઉભી કરવી છે. અમારા રાજકીય સ્વાર્થ માટે ક્યાંક અમને ૨-૫ વોટોનું નુકશાન થતું હોય તો થવા દેજો પણ ભાઈ ભાઈ વચ્ચે ભેદ ઉભો ના કરજો. આઝાદી માટેની લડાઈ વાવની ધરા પરથી શરુ થઇ રહી છૅ.
ત્યારે સવાલ એ થાય છે કે, શું એક ધારાસભ્યને આવું વર્તન શોભે? રાજકીય પ્રહારમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કેમ? નેતાઓના વાણીવિલાસ પર લગામ ક્યારે લાગશે? શું મહિલા ધારાસભ્ય આવી રીતે પ્રજોની વાત કરશે? આવા વર્તન બદલ ગેનીબેન સામે કોંગ્રેસ શું પગલા ભરશે?
ઉલ્લેખનીય છે કે, રાજકીય કિન્નખોરી સામે કોંગ્રેસ દ્વારા આ જનવેદના સભાનું આયોજન કરાયુ છે. પાટીદાર સમાજની જેમ અન્ય સમાજોના લોકો ઉપર તેમજ ગેનીબેનની જનતા રેડ વખતે યુવાનો ઉપર થયેલા કેસો પાછા ખેંચવાની સભામાં માંગ કરાઈ હતી.