છેલભાઈ… (છેલશંકર પ્રા. આસ્તિક) પહેલું ધોરણ ભણાવનાર અમારા શિક્ષક. બસ, એ પછી બીએ પૂરું કર્યા સુધી આવા કોઈ અજબ ગજબ શિક્ષક મળ્યા જ નથી. એમણે જે શીખવ્યું તે માત્ર પહેલા ધોરણમાં જ નહીં ૧૫મા ધોરણમાં પણ કામ લાગતું ગયું, આજે પણ લાગે છે. મને નવાઈ લાગે છે કે છેક એસવાયબીએમાં પણ હું
સંસ્કૃતના સવાલોના જવાબ છેલભાઈએ કહેલ રામાયણ, મહાભારત કે હિતોપદેશની કથાઓના આધારે આપતો હતો. જીવનમાં બે ત્રણ બીજા પણ સારા શિક્ષકો જોયા પણ એ સારા શિક્ષકો પણ અંતે તો નોકરીયાત હતા. શિક્ષક તરીકેની પોતાની નોકરી માટે અમને ભણાવતા હતા. પણ દર અઠવાડિયે ઓછામાં ઓછી એકથી બે વખત અમારા ગાલ કે પીઠ ઉપર થપથપાટી કે ધબધબાટી બોલાવનાર છેલભાઈ અમારા હૃદયમાં વસે છે. નોકરી તો છેલભાઈ પણ કરતા જ હતા પણ તેઓ એક નોકરીયાત શિક્ષકથી કશુક વિશેષ પણ હતા. છેલભાઈ એક દિવ્ય શિક્ષક હતા. રગેરગમાં શિક્ષક હતા. “સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ” એ એમનો સિદ્ધાંત હતો. સોટી વાગ્યા વગર પણ વિદ્યા તો આવતી જ હશે પણ તે ધમધમ કરતી ધમધોકાર શૈલીમાં ન આવે. એમનો સોટીપ્રયોગ દરરોજ કોઈને કોઈ વિદ્યાર્થી ઉપર થતો જ રહેતો. ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈ વિદ્યાર્થી ઉપર ફટાફટી બોલતી જ રહેતી. અમે લોકો હતા પણ એવા વાંગડ. પણ અમને સાચા હૃદયના પ્રેમથી ઢીબી ઢીબીને એમણે ભણાવ્યા. મારા મધર ક્યારેક નિશાળે અમારા ક્લાસરૂમ સુધી આવી જતા. છેલભાઈને બહાર બોલાવતા અને કહેતા- “અમારા નાણિયાને બેક નીરણ કરતા રહેજો.” મારા મધર જેવી ભલામણ ઘણાં માવતરો કરતા. પણ એ દિવસોમાં પણ કેટલાક માવતરો અધુરીયા જીવવાળા હતા. કેટલાક માવતરો અને તેમાં ખાસ કરીને મહિલાઓ છેલભાઈ પાસે આવીને એવી ફરિયાદ કરતી કે “અમારા છોકરાને તમે મારતા કેમ નથી? અમારો છોકરો હાવ ઢગલાનો ઢ છે. બેક બેક નીરણ કરતા રહેજો…”
અમારા પ્રથમ ધોરણના શિક્ષક છેલશંકર પ્રા. આસ્તિક એક ધબધબાટીભરી જીવંત અને દિવ્ય યુનિવર્સિટી હતા. આજના પોચા પોદળા જેવા શિક્ષકો કંઈ ભણાવતા નથી. નવી પેઢીમાં જે જ્ઞાન વધ્યું છે એ તો ટેકનોલોજીનો પ્રભાવ છે, મીડિયાનો પ્રભાવ છે. પત્રકાર બન્યા પછી એવા ઢગલાબંધ સમાચાર છેલ્લા ૨૫ વર્ષમાં મારી કલમમાંથી પસાર થયા છે કે જેમાં એવું કંઈક શીર્ષક બંધાયું હોય કે “વિદ્યાર્થીને ઢોરમાર મારતો હેવાન શિક્ષક” આમાં “હેવાન” શબ્દ મેં ના લખ્યો હોય, એ તંત્રીએ ઉમેર્યો હોય, અથવા મને સૂચના મળી હોય કે આમાં લખજો કે શિક્ષક બન્યો રાક્ષસ. આવું લખતી વખતે એક વિચાર જરૂર આવેઃ હું કોઈ છેલભાઈ જેવા દિવ્ય શિક્ષકને અન્યાય તો નથી કરી રહ્યો ને?