ભાગ – ર
વહી ગયેલી વાત….
(બારમા ધોરણમાં ભણતી આશાની રોજ જીગર નામનો એક છોકરો છેડતી કરતો હોય છે. આશા ત્રાસીને એક વખત એના ભાઈ ઉમંગને વાત કરે છે. ઉમંગ અને એનો ખાસ મિત્ર નીતિન જીગરના ઘરે જઈને એને ખૂબ મારે છે. એ પછી અઠવાડિયા સુધી જીગર દેખાતો નથી. પણ એક દિવસ અચાનક આશા ગાયબ થઈ જાય છે. આશા જે દિવસે ગાયબ થાય છે એ દિવસે સવારથી જીગર પણ નથી મળતો. ઉમંગ એના માતા-પિતા અને એનો મિત્ર નીતિન આખરે અકોલી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવે છે. હવે આગળ….)
પોલીસે જીગરના ઘરે તપાસ કરી હતી. એની વૃદ્ધ માતા એક જ રટ લઈને બેઠી હતી કે, એનો દીકરો સવારે છ વાગે જાગીંગમાં નીકળ્યો પછી આવ્યો નથી. એ તો ઉલ્ટાના આશાના ભાઈ પર શંકા કરતાં હતા કે એમણે જ એને ગાયબ કરી દીધો છે. જીગરનો મોબાઈલ નંબર લઈ ત્યાં વોચ ગોઠવી ઈન્સપેક્ટર ખાન બીજી તપાસે લાગ્યા. આશાની સ્કૂલમાં, આચાર્ય અને ટીચર્સની પૂછપરછ કરવામાં આવી. પોલીસને શંકા હતી કે, રખે કાગનું બેસવું અને ડાળનું પડવું એવું થયું હોય. જીગર અને આશા અલગ અલગ કારણસર ગુમ થયા હોય એવું પણ બને. આશા એકદમ શાંત, સરળ અને એકલી રહેનારી ભોળી છોકરી તરીકે જ પંકાયેલી હતી. એના મોબાઈલની કોલ ડિટેઈલમાંથી પણ કંઈ ના મળ્યુ. જીગરની સોસાયટીના રહીશો અને એ જે ગલ્લે બેસી રહેતો હતો એમની પૂછપરછમાં પણ કંઈ મળ્યુ નહીં, લોકોએ કહ્યુ, ‘સાહેબ! છોકરો તો એકદમ સંસ્કારી હતો. પણ પેલી સ્કૂલવાળી છોકરીના પ્રેમમાં પડ્યો ત્યારથી બદલાઈ ગયો હતો. એની કોઈ ગુંડાગર્દી નહોતી. પણ આશા સાથે એણે જે રીતે વ્યવહાર કર્યો એ મવાલી જેવો જ હતો. એના ભાઈએ એને સોસાયટીમાં માર્યો પછી તો બિચારો તુટી ગયો હતો.’
***
બે દિવસના તનતોડ ઈન્વેસ્ટીગેશન બાદ ઈન્સપેક્ટર ખાને આખા કેસના તમામ રહસ્યો ખોલી નાંખ્યા. આશાનો પતો મળી ગયો હતો. હવે બસ જઈને એને છોડાવવાની હતી.
રાતના સાડા બાર વાગ્યા હતા. ઈન્સપેક્ટર ખાન આશાના ઘરે જઈને ઉભા રહ્યાં. અરધી રાત્રે પોલીસને જાઈને ઉમંગ ચોંક્યો નહીં. એણે અને એના માતા-પિતાએ આતુરતાથી પૂછ્યુ, ‘સાહેબ, આશા મળી ગઈ કે શું?’
‘હા, અત્યારે જ આપણે એને લેવા જવાનું છે!’ કોન્સટેબલ દીપક બોલ્યો અને પછી ઉમેર્યુ, ‘ઉમંગ, તું એકલો જ અમારી સાથે આવ! ત્યાં તારી જરૂર પડશે.’
ઉમંગને એક ક્ષણ માટે અજુગતું લાગ્યુ પણ પછી એ ઝાઝુ વિચાર્યા વિના તૈયાર થઈ ગયો.
ઈન્સપેક્ટર ખાન, દીપક અને ઉમંગ લગભગ અરધો કલાકના હાઈવે ડ્રાઈવીંગ પછી ડાબી તરફ આવેલા એક ખેતરમાં પ્રવેશ્યા. દૂર એક ઝુંપડી દેખાતી હતી. અંદર લાઈટ બળી રહી હતી.
‘આશા, ત્યાં છે! ગાડીનો અવાજ અને પ્રકાશ આવશે તો ગુનેગાર સાબદો થઈ જશે! આપણે ચાલતા જ જઈએ!’ પોલીસ વાન ઉભી રહી. ત્રણે જણ દબાતા પગલે એ ઝુંપડી પાસે ગયા. અધખુલ્લાં બારણામાંથી પીળા બલ્બનો આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. ગુનેગારને કલ્પના પણ નહોતી કે, પોલીસ એના સુધી પહોંચી જશે. ત્રણે જડ બની ત્યાં ઉભા રહ્યાં. કાન અને આંખ માંડી. દૃશ્ય જાઈને ઉમંગના રૂંવાડા ઉભા થઈ ગયા. એ કંઈ કરવા જતો હતો પણ દીપકે મો દાબી દીધું અને અંદર જે થાય એ સાંભળવા ઈશારો કર્યો.
દૃશ્ય આંખમાં ઉતરી રહ્યું હતું. આશાને એક ખાટલા સાથે બાંધી હતી. એના મોં પર ડૂચો હતો. બાજુમાં એક લાશ પડી હતી. અને એના પગ પાસે એક છોકરો બેઠો હતો. સાવ ભીખારી જેમ ઉંઘા પગ કરીને એ આશાને તાકી રહ્યો હતો. એણે આશાના પગ પકડ્યા હતા અને કરગરતો હતો, ‘એય, આશા એકવાર કહી દે કે તું મારી છે. આઈ લવ યુ વેરી મચ! તને પામવા તો મેં શું શું કરી નાંખ્યુ. તુ મારી જ અમાનત છે. તારા માટે તો મેં મારા ભાઈ જેવા ભાઈબંધને દગો કર્યો, તારા માટે તો મેં જીગરને માર્યો હવે. હજુ પણ તું મારી નહીં થાય તો હું તને ખતમ કરી નાંખીશ. તું મારી જ છે…. લે તું ખૂશ થતી હોય તો તારા માટે ગીત ગાઉં!’ એમ બોલી ઉભો થઈને એ સાયકો માણસ જેમ વિકૃત રીતે ગીત ગાવા માંડ્યો, ‘મંઝિલે રુસવા હૈ, ખોયા હૈ રાસ્તા, આયે લે જાયે, ઈતની સી ઇલ્તજા… તુ મેરી જમાનત હૈ, તુ મેરી અમાનત હૈ…! સુન રહી હૈ ના તું… રો રહા હું મૈં!’
અને પછી એક ધારદાર ખંજર કાઢી આશા તરફ આગળ વધ્યો, ‘આશા… તુ આવતા ભવ સુધી મારી અમાનત બની રહેશે….! બાય!’ એ આશાને મારવા જ જતો હતો ત્યાંજ ઈન્સપેક્ટર ખાન, દીપક અને ઉમંગ
આભાર – નિહારીકા રવિયા દરવાજાને ધક્કો મારી વીજળી વેગે અંદર પ્રવેશ્યા, કોન્સટેબલ દીપકે એને પકડી લીધો અને ઈન્સપેક્ટર ખાને એના માથે રીવોલ્વર ધરી દીધી, ‘નીતિન, સ્હેજ પણ હલ્યો છે તો ગોળી મારી દઈશ!’
ઉમંગે એની બોચી પકડી લીધી, એ સખત આઘાત અને આંસુના ધોધમાર વરસાદ વચ્ચે બોલ્યો, ‘નીતિન! તું? તે મારી બહેનને…. ભલા માણસ મેં તને સગા ભાઈ જેમ રાખ્યો હતો…!’
નીતિન જરાય પસ્તાવા વિના બોલ્યો, ‘બહેન, તારી! પણ અમાનત તો મારી ને! એને તુ મારા હવાલે કરી દે!’ એ સાથે જ ઉમંગે એને તમાચા જડી દીધા.
***
આશા સહી સલામત એના ઘરે પહોંચી ગઈ હતી. એનું કિડનેપિંગ નીતિને જ કર્યુ હતું. જીગરની લાશ એના ઘરે પહોંચી ગઈ હતી. બીજા દિવસે ઉમંગ અને એના માતા-પિતા ઈન્સપેક્ટરદ ખાનનો આભાર માનવા પોલીસ સ્ટેશન આવ્યા.
‘સાહેબ, સલામ છે તમારી બુદ્ધિને! તમે ના હોત તો આ રાઝ આખી જિંદગી ના ખુલત. તમારો ખૂબ ખૂબ આભાર! પણ મને એ કહો કે તમને કેવી રીતે ખબર પડી કે આશાને નીતિને જ કિડનેપ કરી છે?’
‘એ બધો જ કમાલ કોન્સટેબલ દીપકનો છે.’ ઈન્સપેક્ટર ખાન બોલ્યા, ‘પૂરા બે દિવસની તપાસને અંતે કોઈ સુરાગ ન મળતા હું ધુંધવાઈ ગયો હતો. હું એમ જ માનતો હતો કે જીગર જ ગુનેગાર છે, એટલે એને શોધવાની દિશામાં જ પગલાં ભરતો હતો. પણ એક દિવસ દીપક મજાકમાં એક ગીત ગાતો હતો, દોસ્ત… દોસ્ત ના રહા….! એ જ વખતે મારા દિમાગમાં ઝબકારો થયો કે, તારા દોસ્તોની તો તપાસ થઈ નથી. આ વિચાર દિમાગમાં આવતા જ નીતિનનો ચહેરો મારી સામે આવ્યો. એ ફરિયાદ લખાવવા પણ તારી સાથે હતો અને પછી રોજ પૂછપરછ કરવા પણ આવતો હતો. એ સતત હાજરી પૂરાવી રહ્યો હતો એના કારણે શંકા ગઈ. મેં પછી એ દિશામાં તપાસ શરૂ કરી. તારા બીજા દોસ્તો મોન્ટી અને અશોકની પણ તપાસ કરી. પણ એમાં તારા ઘરે સૌથી વધુ ઘરોબો નીતિનનો જ હતો. મે એનુ કોલ લીસ્ટ જાયુ. કંઈ ખાસ મળ્યુ નહીં. આખરે એના ફોનનું લોકેશન ચેક કર્યુ. રોજ દિવસ દરમિયાન તો કોલેજ અને તારુ ઘર એનું લોકેશન હતુ. પણ રોજ રાત્રે એના ફોનનું લોકેશન એક જ જગાનું બતાવી રહ્યું હતું. આ વિસ્તારનું. અને એ પણ તારી બહેન ગુમ થઈ ત્યારથી જ! બસ મારો શક યકીનમાં બદલાઈ ગયો. એ આખો દિવસ તારી સાથે રહેતો, રાત્રે ઘરે જમતો અને અગિયાર વાગે ચોરી – છૂપી નીકળીને અહીં આવતો. એણે અહીં આશાને બાંધી રાખી હતી. અમને એના પર શક જતાં અમે એનો પીછો કર્યો અને અહીં પહોંચ્યા. પણ એને રંગે હાથ પકડવા આ પ્લાન કર્યો.’‘થેંક યુ સાહેબ! તમારી મહેનતના કારણે આજે મારી બહેન બચી ગઈ છે.’ ઉમંગે ફરી આભાર માન્યો. ઈન્સપેક્ટર ખાન અને કોન્સટેબલે મધુરુ Âસ્મત આપી આભાર સ્વીકાર્યો. સમાપ્ત
આભાર – નિહારીકા રવિયા