અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. LCB ટીમે ચોરીના ડીઝલ સાથે એક આરોપીને ઝડપી પાડી, ચોરીનો કુલ રૂ. ૬,૬૮૫/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી LCB પો.ઈન્સ. વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ LCB ટીમ પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી હકીકત અને ટેકનિકલ સોર્સના આધારે પીપાવાવ ફોરવે ચોકડી પાસેથી એક શંકાસ્પદ ઈસમ ડીઝલ સાથે ઝડપાયો હતો. પૂછપરછ અને ટેકનિકલ ખરાઈ કરતા, મળી આવેલ ડીઝલ વિકટર ગામે આવેલ દિવાલ બંધ પાર્કિંગમાં અલગ અલગ ટ્રકમાંથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં દિનેશ મધુભાઈ બારૈયા, ઉ.વ.૨૫, રહે. છતડીયા, તા. રાજુલા, જિ. અમરેલી નામના આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી રોકડ રૂ. ૩,૪૦૦/- અને ૩૫ લીટર ડીઝલ (કેરબા સહિત કિંમત રૂ. ૩,૨૮૫/-) મળી કુલ રૂ. ૬,૬૮૫/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.










































