ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર અમરેલી સેશન્સ કોર્ટએ ગૌવંશ કતલના ગુનામાં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલીલો અને પૂરાવાઓના આધારે સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી સાહેબે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ૦૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ વનરાજભાઈ માંજરિયાને મળેલી બાતમી આધારે પોલીસે રેઈડ કરી અક્રમભાઈ હાજીભાઈ સોલંકી સહિતના આરોપીઓને પકડી પાડ્યા હતા.
સ્થળ પરથી ૪૦ કિલો ગૌમાંસ, કતલના સાધનો, તથા પશુના અવશેષો મળી આવ્યા હતા. કોર્ટએ ત્રણેય આરોપીઓને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫ હેઠળ આજીવન સજા અને રૂ. ૫ લાખનો દંડ, કલમ ૬(ખ) હેઠળ ૭ વર્ષની સજા તથા રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો. ઉપરાંત IPC કલમ ૪૨૯ હેઠળ ૫ વર્ષની સજા અને કલમ ૨૯૫ હેઠળ ૩ વર્ષની સજા ફરમાવાઈ છે. ચુકાદા બાદ સમગ્ર ગુજરાતમાં જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.








































