સમગ્ર વિશ્વમાં હવે ઓમિક્રોન નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ઓમિક્રોન વાયરસનો રાજયમાં પ્રથમ પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે ત્યારે જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં વિદેશથી કુલ ૩૬ લોકો આવ્યા છે ત્યારે અમરેલી જિલ્લાનુ વહીવટી અને આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યુ છે. ૩૬ લોકોમાંથી ૬ લોકો તો વિશ્વએ જાહેર કરેલા હાઈરિસ્ક દેશોમાંથી આવતા હોવાથી આ લોકોનુ એરપોર્ટ પર જ સઘન ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જયારે ૩૦ લોકોના સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવતા તેમાના ર૯ લોકોનો રીપોર્ટ નેગેટિવ આવતા તંત્રને આંશિક રાહત થઈ છે જયારે એક વ્યક્તિનો રીપોર્ટ હજુ આવવાનો બાકી છે. અમરેલી જિલ્લામાં હાઈરિસ્ક દેશોમાંથી આવેલા ૬ લોકોને તંત્ર દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે પરંતુ જયાં સુધી રીપોર્ટ નહી આવે ત્યાં સુધી તંત્ર દ્વારા આ વ્યક્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જે રીતે દેશમાં ઓમિક્રોન વાયરસ ધીમી અને મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે તેને જાતા રાજય સરકારે પણ ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને અમરેલી તંત્ર દ્વારા પણ ઓમિક્રોનને પહોંચી વળવા માટે શાંતા બા ગજેરા હોસ્પિટલ ખાતે ઓમિક્રોન વોર્ડ ખોલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તો હાઈરિસ્ક દેશોમાંથી આવેલા ૬ લોકોના રીપોર્ટ પણ તંત્રની સાથે હવે જિલ્લાના લોકો પણ મીટ માંડીને બેઠા છે.