રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની
તા.૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન સપ્તાહની
ઉજવણીમાં લાભાર્થીઓને સરકારના વિવિધ યોજનાઓ લાભો આપવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અમરેલી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે અમરેલી શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના સર્વે લોકો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત સગર્ભા બહેનોને પોષણ કિટનું વિતરણ અને આંગણવાડી કાર્યકરોને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે જીતુભાઈ ડેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એચ.પટેલ, સિવિલ સર્જન હરેશ વાળા, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, શાંતાબા જનરલ હોસ્પિટલના સર્વે તબીબી અધિકારીઓ, વહીવટી તંત્રની અને પંચાયતની વિવિધ શાખાઓના અધિકારી કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યો અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો જાડાયા હતા.