અમરેલીમાં સિવિલ હોસ્પિટલ પાછળ આવેલો રોડ છેલ્લાં ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું નવીનીકરણ કરવામાં ન આવતા દર્દીઓ અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં હતા. જા કે આ રોડ બાબતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ માર્ગ બનાવવા માટે રાજય સરકાર સમક્ષ રજૂઆત કરતા ટૂંક સમયમાં જ આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાથી આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળના માર્ગ પર બ્લડ બેન્ક સહિતની કચેરીઓ આવેલી છે તેમજ આ લાઠી રોડ પરના દર્દીઓ માટે હોસ્પિટલ જવા માટે આ માર્ગ ખુબ જ ઉપયોગી હોવાથી રાહદારીઓ આ માર્ગ પરથી જ અવરજવર કરતા હતા તેમજ મેડિકલ કોલેજની હોસ્ટેલ પણ આ માર્ગ પણ આવેલી હોય મેડિકલના વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવતા હતા. આ માર્ગના નવીનીકરણ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી જેથી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ લોકોની હાલાકી સમજી આ માર્ગને મંજૂર કરાવતા હવે ટૂંક સમયમાં આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગની મંજૂરી મળતા દર્દીઓ, રાહદારીઓ અને મેડિકલના વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે.