રાજ્યમાં ધીમે ધીમે કોરોનાએ જાણે રાક્ષસ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ, કેસોમાં વધારો થતો જાય છે. ગઇકાલે ૭ મહિના બાદ કોરોનાના કેસોમાં જબરો ઉછાળો આવતા એકસોને પાર કેસો નોંધાતા રાજ્ય સરકાર પણ સફાળી જાગી ઉઠી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસોને કાબુમાં રાખવા માટે કર્ફ્યૂ ગાઇડલાઇનમાં પણ ફેરફાર કરાયો છે. પરંતુ નાના જિલ્લાઓમાં પણ હવે કોરોનાએ પગપેસારો કરતા ભયની લાગણી પ્રસરી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ, અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જે હોસ્પિટલ ક્વાર્ટરમાં જ રહેતા હોય, તેમને કોરોનાના લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ બાદ ડોક્ટર પોઝિટિવ જણાતા જિલ્લામાં ઘણા સમય બાદ કોરોનાએ દસ્તક દીધી હોવાથી ખતરાની ઘંટી વાગી રહી છે.