અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને કારણે લોકોમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. ફરી એકવાર અમરેલી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા દંપતી ખંડીત થયુ હતુંં. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છુટતા પોલીસે ટ્રકચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી નજીક આવેલા મોટા ગોખરવાળા ગામ પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકચાલકે બાઈક ચાલક તુલસીભાઈ પરમારને અડફેટે લેતા તુલસીભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જયારે તેમના પત્ની જશુબેનને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ તુલસીભાઈ પોતાના પત્ની જશુબેન સાથે અમરેલી પ્રસંગમાં આવ્યા હતા. અમરેલી પ્રસંગ પતાવી સાવરકુંડલા પરત જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રકચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસે નાસી છુટેલા ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે.