અમરેલીમાં મોહરમ પર્વ નિમિત્તે શહેરમાં તાજીયા કાઢવામાં આવેલા હતા જેમાં તાજીયા પડમાં આવ્યા બાદ રાત્રિ દરમિયાન તાજીયા માતમમાં રહ્યા હતા બાદમાં રાત્રિના તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમો દ્વારા મોહરમ પર્વ ગમ અને સાદગીથી મનાવવામાં આવે છે.
૧૪૦૦ વર્ષ પહેલા ઇરાકના કરબલા શહેરમાં યજીદ નામના વ્યક્તિની હુકુમત સામે અન્યાય સામે લડનાર હઝરત ઈમામ હુસૈન તેમજ તેમના પરિવાર અને અન્ય મળી ૭૨ લોકો આ કરબલાની લડાઈમાં શહીદ થયા હતા અને આ શહીદોની યાદમાં મુસ્લિમો દ્વારા સમગ્ર દેશ અને અન્ય મુસ્લિમ દેશોમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે. મુસ્લિમો ગમ અને આંસુઓની સાથે આ તહેવાર મનાવે છે તેવી જ રીતે અમરેલીમાં પણ મુસ્લિમો દ્વારા બે દિવસ મોહરમ પર્વ મનાવવામાં આવેલ હતો. શનિવારે રાત્રિના તાજીયા પડમાં આવ્યા હતા અને રવિવાર આખો દિવસ અને રાત્રી દરમિયાન તાજીયા દરેકના રૂટ મુજબ સૌ સૌના ઠેકાણે માતમમાં રહેલ હતા. મુસ્લિમો દ્વારા આ મહિનો ગમથી મનાવવામાં આવે છે અને પહેલી મોહરમથી ૧૦ મી મોહરમ સુધીની ન્યાજ શરબત સહિતની વસ્તુઓની વહેંચણી કરવામાં આવે છે તેમજ નવ અને દસ તારીખે ઈમામ હુસેનની યાદમાં બે રોજા પણ રાખવામાં આવે છે અને નમાજ પઢવામાં આવે છે જેને આસુરાની ઈબાદત કહેવામાં આવે છે. બે દિવસના તાજીયા રહ્યા બાદ ગઈકાલે રાત્રિના તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. અમરેલી શહેરમાં નાના મોટા લગભગ ૧૦૦ થી વધુ તાજીયા બનાવવામાં આવ્યા હતા. જિલ્લામાં બગસરા, ધારી, સાવરકુંડલા, બાબરા, વડીયા, રાજુલા સહિતના તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરોએ તાજીયા કાઢ્યા હતા.