વિક્રમ સંવત ર૦૮૧ના વધામણા કરવા લોકોમાં અનેરો થનગનાટ

ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસની સરાહનીય કામગીરી, બજારોમાં ધમધમાટ

વિક્રમ સંવત ૨૦૮૧ ના વધામણા કરવા તહેવારોની રાણી દિવાળીનું રૂમઝૂમ આગમન થઈ રહ્યું છે ત્યારે અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં દિવાળીની ખરીદી માટે છેલ્લા દિવસોમાં હવે બજારોમાં ભારે ભીડ જાવા મળી રહી છે. દિવાળી, બેસતા વર્ષની ઉજવણીની પરંપરા યથાવત રહી છે પરંતુ પદ્ધતિ બદલાય છે અને હવે પરંપરાગત તહેવારોમાં પણ આધુનિક યુગની અસર જોવા મળી રહી છે. અગાઉ દિવાળી અને બેસતા વર્ષે ઘર પર શુકન અને લક્ષ્મીને આવકારવા રિદ્ધિ સિદ્ધિના પ્રતીક આસોપાલવના તોરણ બાંધવામાં આવતા હતા. આસોપાલવના પાન અને સુતરના દોરાથી જ બનતા તોરણને ઘરના દરવાજે અવશ્ય લગાવવામાં આવતા આ પરંપરામાં માલેતુજારોના મહેલથી લઈ સામાન્ય અને ગરીબ ઘરના પરિવારના દરવાજે બેસતા વર્ષે અવશ્ય આસોપાલવના લીલા તોરણ બંધાઈ જતા હતા. હવે સમય જતા ટ્રેન્ડ બદલાયો હોય તેમ આસોપાલવના તોરણ પણ પ્લાસ્ટિકમાંથી બનવા લાગ્યા છે. બજારમાં પ્લાસ્ટિકના બનેલા ફૂલ બગીચાઓની ભરમાર લાગી છે. ઘર સજાવટની વસ્તુઓની ખરીદી માટે અમરેલીની બજારો રીતસર ઉભરાવા લાગી છે. દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે ત્યારે અમરેલી શહેર સહિત અન્ય શહેરોના લોકો છેલ્લી ઘડી સુધી શોપિંગ કરવા માટે જાણીતા છે. અમરેલી શહેરના હરી રોડ, ટાવર રોડ, બસ સ્ટેશન રોડ સહિતના તમામ રસ્તા બજારોમાં હવે સવારથી સાંજ સુધી ખરીદી માટે લોકોનો સ્વયંભૂ મેળો ભરાઈ જાય છે સાંજ પડતા જ શહેરના મોટાભાગના શોપિંગ સેન્ટર, મોલ અને વ્યવસાયિક ભક્તિસ્થાનો રોશનીથી ઝળહળી ઊઠે છે. શહેરની તમામ બજારોમાં રીક્ષા, ટુ વ્હીલર અને મોટરોનો કાફલો ઠેર-ઠેર પસાર થઈ રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં લારીવાળા, દુકાનદારો કોડીયાની સાથે સાથે પ્લાસ્ટિકના ઘર સજાવટના શણગારો લઈને વેપાર કરતા દેખાય છે તેની સાથે સાથે કપડા, બુટ અને મોબાઈલ એસેસરીઝ બજારમાં વિશેષ ખરીદી જોવા મળી રહી છે. દિવાળીની ખરીદીમાં ઘર સજાવટની વસ્તુઓમાં માટીના કોડિયાના બદલે પ્લાસ્ટિકના સિન્થેટિક દીવા, અનેક પ્રકારની સિરીઝ લાઈટ, ડેકોરેશન માટે અવનવી વેરાઈટીનો ખજાનો બજારમાં ઉપલબ્ધ થયો છે. શહેરમાં ઘર સજાવટની વસ્તુઓની સાથે સાથે રેડીમેડ કપડા, જુદા-જુદા ગોગલ્સ, પર્સ, બેલ્ટ, મોબાઈલ ખરીદીની સાથે સાથે મહેમાનો માટે મુખવાસ, નાસ્તા, ખાણીપીણીની વસ્તુઓમાં મોટા પાયે માંગ ઊભી થઈ છે. ખાનગી અને સરકારી કર્મચારીઓને બોનસ મળી જતા બજારોમાં હવે દિવાળીની અસલ રોનક જોવા મળે છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે અલગ-અલગ મેટલના અને એલિગન્ટ દેખાતાં દીવડાંની ડિમાન્ડ સૌથી વધારે છે. માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશથી પણ આજ મેટલના દીવડાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દીવડાંની ખાસિયત એ છે કે એને માત્ર તેલ જ નહીં, પરંતુ એલઇડી લાઇટ, પાણી અને મીણબત્તીથી પ્રજ્વલિત કરી શકાય છે. સામાન્ય રીતે માટીના દીવડાં લોકો દિવાળીના પર્વ પર પ્રજ્વલિત કરતા હોય છે. આ વર્ષો જૂની પરંપરા છે, પરંતુ હાલ ટ્રેન્ડ બદલાયો છે. આ મેટલ દીવડાં સૌથી વધારે કોર્પોરેટ સેક્ટરમાં લોકો મગાવી રહ્યાં છે. ગિફ્‌ટ આપવાની સાથે ઘરમાં મૂકવાથી પણ આ ખૂબ જ આકર્ષક લુક આપે છે. દીવડાં આયર્ન, બ્રાસ, સિલ્વર અને ગોલ્ડ કોટિંગથી હાલ તૈયાર કરવામાં આવ્યાં છે, જેની કિંમત પચાસથી શરૂ થાય છે અને અઢી હજાર રૂપિયા સુધીની છે.

ઈલેકટ્રીક દીવડાનો ક્રેઝ વધ્યો

હિન્દુ ધર્મને લગતાં તમામ ચિહ્ન પર દીવડાંની બનાવટ, આ દીવડાંની ખાસિયત એ છે કે અંદર પાણી ભરવામાં આવે અને આર્ટિફિશિયલ વોટરપ્રૂફ કમળ મૂકવામાં આવે છે. પાણીના સંપર્કમાં આવતાં જ આ કમળની અંદર લાઈટ પ્રજ્વલિત થઈ જાય છે. આવી જ રીતે અનેક દીવડાં છે, જે પાણીના મેજિકલ સેન્સરથી ચાલે છે. અલગ-અલગ ડિઝાઇનમાં મેટલનાં દીવડાં હાલ આકર્ષણનું કેન્દ્ર છે, જેમાં ટ્રેડિશનલ સ્વસ્તિક કાચબા અને હિન્દુ ધર્મને લગતાં તમામ ચિહ્ન પર આધારિત મેટલના દીવડાં બનાવવામાં આવ્યાં છે. આ સાથે ફેન્સી અને એલિગન્ટ લુક આપતા પણ દીવડાં છે, જે મીણબત્તી અને તેલ બંનેથી લોકો પ્રજ્વલિત કરી શકે છે. આ પ્રકારનાં દીવડાંની સૌથી મહ¥વની બાબત એ પણ છે કે એનાથી આગ લાગવાનો ભય રહેતો નથી. એલઇડી લાઇટથી આ દીવડાં પ્રજ્વલિત થાય છે, જેથી લોકો ઘરે આ દીવડાં પ્રજ્વલિત કરીને આરામથી બહાર ફરવા પણ જઈ શકે છે. કોઈ બાળક આ દીવડાંને સ્પર્શ કરે તો પણ દાઝી જવાનો ભય રહેતો નથી, સાથોસાથ આ દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે.

ભાત-ભાતની રંગોળી પુરવાની પ્રથા ભૂલાતી જાય છે

દીપાવલીના ચહેકતા, મહેકતા મહાપર્વમાં પોતાનું આંગણું લીંપી-ગૂંપી, સ્વચ્છ કરીને ભાત-ભાતની રંગોળી પૂરવાની પ્રથા આપણે ત્યાં પરાપૂર્વથી ચાલતી આવે છે. પરંતુ કમભાગ્યે આજના કહેવાતા ભ્રામક આધુનિકતાના અતિરેકમાં, માનવ સ્વ સમય અને નિજાનંદને ખોઈ બેઠો છે. પરિણામે આવા અનેરા આનંદ લેવાના લાભથી આજની ગૃહિણીઓ પણ વંચિત, વિમુખ થઈ ગઈ છે. અને બજારું ગમે તેવા સ્ટીકરો લગાડી, ગૃહની ગૃહલક્ષ્મીઓ રંગોળી પૂર્યાનો આત્મસંતોષ પામે છે ! મોટા ભાગે સ્ત્રીઓ જ રંગોળી કરે છે. રંગોળી કરવામાં મશગુલ માનુનીઓને જોવી એ પણ એક મહામૂલો લહાવો છે !!

લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે

દિવાળી ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. બજારમાં અત્યારથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. અમરેલીની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શોપિંગનો લોકોમાં ભારે ક્રેઝ જોવા મળતો હતો. પરંતુ હવે લોકો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. હવે લોકો ફરી બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આજે લોકો ઓનલાઇન શોપિંગની જગ્યાએ બજારમાંથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ફરી વાર રોનક જોવા મળી રહી છે. અમરેલીની બજારમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે બજારો ફરી ધમધમતી થઈ છે.

પોલીસની સુંદર કામગીરી

અમરેલી સહિત જિલ્લાના વિવિધ શહેરમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જાવા મળી રહી છે. જા કે બજારમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ પણ ખડેપગે સેવા બજાવી રહી છે. બજારોમાં આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભીડનો લાભ લઈ ચોરી જેવા બનાવો રોકવા માટે પોલીસ સતત સીસીટીવી કેમેરા પર નજર રાખી છે. આમ, દિવાળીના તહેવાર પર પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી હતી.