અમરેલી સહજ સિટીની મિલકત પર રૂ. ૩૮ કરોડની લોન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા લોઅર પરેલ બ્રાન્ચ મુંબઇમાંથી અપાવવાનું કહી રૂ. ૪૦ કરોડની કિંમતની મિલકતને ગેરકાયદેસર રીતે પાલઘર સબ રજીસ્ટ્રાર ઓફિસમાં કરાર કરાવી ગીરવે મુકાવી છેતરપિંડી કરનાર શખ્સ સામે અમરેલી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના ફરિયાદીએ આરોપી પાસેથી પૈસાની સતત માંગણી કરતા ફરિયાદીના નામના રૂ.૧૮ કરોડના ચેક લખી આપ્યા હતા તથા ફરિયાદીના એકાઉન્ટમાં કટકે કટકે માત્ર રૂ.૬ કરોડ જેવી રકમ જમા કરાવતા ફરિયાદીએ બાકીના પૈસાની ઉઘરાણી કરી હતી. આરોપી દ્વારા તેમને યોગ્ય જવાબ ન આપવામાં આવતા શંકાને પગલે તેમણે આ અંગે તપાસ કરાવી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે તેમની કોઇ લોન મંજૂર થયેલ નથી, પરંતુ આરોપીઓએ ભેગા મળી અમરેલીમાં આવેલ તેમના નામની સહજ સિટી(અમરેલી) મિલ્કતના દસ્તાવેજો આસુતી ટ્રેડીંગ. પ્રા.લી. કંપનીમાં અગાઉ તેમણે સને-૨૦૧૬ માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા લોઅર પરેલ બ્રાન્ચ મુંબઇ ખાતેથી રૂ.૫૦ કરોડની લોન લીધેલ હોય અને જેનું એકાઉન્ટ પાછળથી એનપીએ થઇ ગયેલ હોય, જેમાં પોતાનું કાવતરું પાર પાડવા માટે બેંક ચેરમેન સાથે મીલાપીપણું કરી જેને સરભર કરવા માટે આ કામના આરોપીઓએ ભેગા મળી તેમને લોભ લાલચ આપી તેમના દસ્તાવેજો ગેરેંન્ટર તરીકે મુકાવી, આરોપીએ પૂર્વ આયોજીત ગુન્હાહીત કાવતરું રચી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. આરોપીએ આસુતી ટ્રેડીંગ કંપનીનું એકાઉન્ટ એનપીએ થયેલ હોવાની હકિકત ફરિયાદી પાસે છુપાવી પાલઘર સબ રજીસ્ટ્રાર ઓફિસમાં સીમ્પલ ડીડ ઓફ મોર્ગેજનો કરાર કરાવી ફરિયાદીની અમરેલીની મિલકત ગીરવે મુકાવી હતી. જે અંગે અમરેલી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં પણ કોઇ જાણ કરવામાં આવી નહોતી. આરોપી અભયભાઇ નરેન્દ્રભાઇ લોઢા (ઉ.વ.પ૧) રહે. મુંબઇવાળા વિરૂધ્ધ રાજકોટ ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સીઆઇડી ક્રાઇમ અમરેલીના ડી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ત્રિવેદીએ વધુ તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત આરોપીએ કોઇ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલ હોય તો બહુમાળી ભવન, પ્રથમ માળ, એ-૧૧૪ અમરેલી ખાતે તેમનો રૂબરૂ અથવા તેમના સંપર્ક નં. ૮૦૦૦૯ ૬૦૬૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.