અમરેલી શહેરમાં નજીવી બાબતે થયેલી માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ત્રણ ઓળખીતા આરોપીઓ અને અન્ય પંદર અજાણ્યા શખ્સોએ એકસંપ થઈને એક યુવક અને તેના મિત્ર પર છરી વડે હુમલો કર્યો હતો અને ધમકાવ્યા હતા.
સલમાબેન નુરમંહમદભાઇ સમા (ઉ.વ.૩૫)એ અલ્તાફભાઇ ભટ્ટી, એઝાઝ મકરાણી ઉર્ફે દેડકી, એઝાઝ મકરાણી ઉર્ફે દેડકીના પત્ની સલમાબેન, અન્ય પંદર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ફોર વ્હીલ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે માથાકૂટ કરીને ગાળાગાળી કરી હતી. ઉપરાંત ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જોકે, મામલો અહીં શાંત પડ્‌યો નહોતો. કુલ અઢાર જેટલા શખ્સોએ એકસંપ થઈને ફરિયાદીના મિત્રને પણ ગાળો આપી હતી. આ ટોળાએ ફરિયાદીના મિત્ર પર છરી વડે હુમલો કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.