અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત અને સરકાર પ્રેરિત વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંતર્ગત ‘ત્રિવિધ’ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે શહેરના વિકાસને નવી ગતિ આપવા માટેના આ પ્રકલ્પોની શરૂઆત કરાવી હતી. આ તકે સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહીને શહેરના આધુનિકીકરણના પ્રયાસોને બિરદાવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સર્વાંગી વિકાસની લહેર જોવા મળી રહી છે. રોડ-રસ્તા, શાળાઓના નવનિર્મિત બિલ્ડિંગો, આંગણવાડીઓ અને ‘સૌની યોજના’ જેવા મહત્વકાંક્ષી પ્રકલ્પોની કામગીરી અત્યારે તેજ ગતિએ આગળ ધપી રહી છે. તેમણે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને તેમની ટીમની સક્રિયતાના વખાણ કરતા ઉમેર્યું હતું કે, એક ઊર્જાવાન યુવા
નેતૃત્વ હેઠળ જિલ્લાની ભૌગોલિક અને માળખાગત તસવીર બદલવા માટે આખી ટીમ સંકલ્પબદ્ધ છે. મંત્રીએ વિકાસલક્ષી અભિગમ બદલ સમગ્ર વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ ‘ત્રિવિધ’ વિકાસ પ્રકલ્પોની વિગતો આપતા જણાવવામાં આવ્યું કે, અંદાજે રૂ. ૨.૬૭ કરોડના ખર્ચે સરદાર સર્કલથી સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ, શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પર રજવાડી શૈલીના ગેટ અને સર્કલ ડેવલપમેન્ટ જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી અમરેલી શહેરની સુંદરતા અને ભવ્યતામાં નોંધપાત્ર વધારો થશે, જે પ્રવાસીઓ અને સ્થાનિક નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ‘નવું અમરેલી-વિકસિત અમરેલી’ના સંકલ્પને દોહરાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમરેલીમાં વર્ષોથી સતાવતી પીવાના પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની જાય તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમરેલીના વિકાસ માટે ઉદાર હાથે ગ્રાન્ટ ફાળવવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં અમરેલીના નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.








































