અમરેલી શહેરમાં રામનવમીનાં તહેવારને અનુલક્ષીને ઉત્સાહપૂર્વક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામલલ્લાની મૂર્તિનું સ્થાપન કરીને કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. અમરેલી પરશુરામ મંદિર ખાતે ખુલ્લા મુકાયેલ કાર્યાલયમાં દરરોજ સાંજે સ્વયંસેવકો તહેવારની ઉજવણીનું આયોજન કરશે. ગઈકાલે મોટી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં જીવનમુક્તેશ્વર મહાદેવ મંદિરથી પરશુરામધામ ખાતે સંતો-મહંતો અને ભક્તજનોની હાજરીમાં અમરેલી મહિલા ખોડલધામ સમિતિની બહેનો તેમજ બાળાઓ દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ પધરાવવામાં આવી હતી. આગામી તહેવારની ભવ્ય ઉજવણી થાય તે માટે વિવિધ સંસ્થાઓની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ માહિતી આપી હતી.