અમરેલી શહેરમાં મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીના વધારા સાથે ૩૬ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ઉનાળા પૂર્વે જ ૩૬ ડિગ્રી ગરમીથી બપોરે લોકોની હાલત કફોડી બની હતી. ઘણી મહિલાઓ સ્કાર્ફ સાથે દેખાઈ હતી. જો કે, શુક્રવારથી ગરમીનું જોર ક્રમશઃ ઘટશે અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી હોવાથી વાદળછાયા વાતાવરણને કારણે રવિવાર સુધીમાં મહત્તમ પારો પ થી ૮ ડિગ્રી સુધી ગગડી ૨૮થી ૨૯ ડિગ્રી આસપાસ રહી શકે છે. જ્યારે લઘુતમમાં પણ કાલથી ઘટાડો શરૂ થશે અને રાત્રે ફરી ઠંડીની અસર જોવા મળશે. ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયુ હતું. અમરેલી શહેરમાં ગરમીમાં એકાએક વધારો થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. છેલ્લાં બે દિવસથી ઠંડા પીણાની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે.