અમરેલી સહિત સમગ્ર રાજયમાં આજરોજ સવારના ૭થી સાંજના ૬ સુધી મતદાન યોજાવાનું છે ત્યારે વહીવટ તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. આ બાબતે ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લા કલેકટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કલેકટરે ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં મતદાનના દિવસે કુલ ૧ર આધાર પુરાવા ચૂંટણીપંચે નક્કી કર્યા છે. કલેકટરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. પ્રિસાઈડીંગ ઓફિસર મતદાન આંકડા લખવા માટે મોબાઈલનો ઉપયોગ કરી શકશે. મતદાનના દિવસે મતદારને સવેતન રજા આપવાનો લાભ મળેલ છે. મતદારને રજાનો લાભ આપવામાં ન આવે તો ટોલ ફ્રી નં. ૧૯પ૦ પર ફોન કરી શકાય છે. મતદાન મથકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરિયામંદ મતદાર માટે રેમ્પની વ્યવસ્થા, ગરમીથી રક્ષણ માટે છાંયો- શેડની વ્યવસ્થા, મેડિકલ કિટ, શરબતની વ્યવસ્થા અને દિવ્યાંગો તથા વયસ્ક મતદારો માટે વ્હીલચેર, અલગ લાઈન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મતદાર પાસે ચૂંટણી કાર્ડ સિવાયના અન્ય ૧ર આધાર હશે તો જ મતદાર મતદાન કરી શકશે. જે મતદાર પાસે મતદાનની કાપલી ઉપલબ્ધ નહિ હોય તેઓ મતદાર સહાયતા કેન્દ્ર ખાતે પોતાનો ક્રમ નંબર જાણી શકશે. અમરેલી લોકસભાના ધારી વિધાનસભા મતવિસ્તારમાં વીડિયો સર્વેલન્સની પ ટીમ, અમરેલી વિધાનસભા માટે પ ટીમ, લાઠી વિધાનસભા માટે પ ટીમ, સાવરકુંડલા માટે પ ટીમ, રાજુલા વિધાનસભા માટે પ ટીમ, મહુવા વિધાનસભા માટે ર ટીમ, ગારીયાધાર વિધાનસભા માટે ૩ ટીમ મૂકવામાં આવી છે. અમરેલી લોકસભા વિસ્તાર માટે રર ફલાઈંગ સ્કવોર્ડની રચના પણ કરવામાં આવી છે.
અમરેલી લોકસભા માટે ફરજ પરનો સ્ટાફ
અમરેલી લોકસભા વિસ્તારમાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે સી.આર.પી.એફ તથા એસઆરપી ફોર્સ રાખવામાં આવી છે. તેમજ ઝોનલ ઓફિસર ૧૯૪, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર ૧૯૪, પોલિંગ સ્ટાફ ૪૦પ૦, મહિલો પોલિંગ સ્ટાફ ૩પ૬૦, બીએલઓ ૧૮૪૧, પટ્ટાવાળા ૧૮૪૧, ડિસ્પેચીંગ રિસિવીંગ સ્ટાફ ૧૧૦૦ ચૂંટણી માટે તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત કુલ ૧૯૪ ઝોનલ રૂટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
પ૦% બુથ પર વેબથી નજર રાખવામાં આવશે
જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી લોકસભામાં આવેલા બુથમાંથી પ૦% બુથ પર વેબ કાસ્ટીંગથી નજર રાખવામાં આવશે.
અત્યાર સુધીમાં ૧૦૦૬ મતદારોનું ઘરે મતદાન
અમરેલી લોકસભામાં મતદાન ધરાવતા ૮પ કે તેથી વધુ વયના જે મતદારો મતદાન મથક સુધી જઈ શકે તેમ ન હોય તેવા કુલ ૧૦૦૬ મતદારોનું મતદાન ઘરે જઈને કરાવ્યુ હતું. તેમજ જે મતદારો શારીરિક રીતે સક્ષમ નથી તેવા ર૩૧ મતદારોનું ઘરે જઈને તંત્ર દ્વારા મતદાન કરાવ્યુ હતું.
શિયાળબેટ ટાપુ પર ઈવીએમ સાથે અધિકારીઓ પહોંચ્યા
જાફરાબાદ તાલુકાનું આ શિયાળબેટ ગામ ટાપુ હોવાને કારણે નોડલ ઓફિસર સહિત ૨૫ જેટલા કર્મચારીઓ ઈવીએમ સાધનો સાથે બોટ મારફતે શિયાળબેટ પહોંચી ગયા છે. અહીં ૫૦૦૦ કરતા વધુ મતદારો છે. જેઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ૫ જેટલા બુથ આવેલા છે. પીપાવાવ પોર્ટ જેટી પર ૨ બોટની વ્યવસ્થા ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ માટે કરવામાં આવી છે. ઉપરાંત દરિયાઈ માર્ગે જવાનું હોવાને કારણે લાઈફ જેકેટ સાથે ટીમ શિયાળબેટ ગામમાં પહોંચી ગઈ છે. શિયાળબેટમાં આવતીકાલે ૫ બુથ ઉપર મતદાન કરવામાં આવશે. શિયાળબેટ ગામમાં તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી મતદારો અને કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં મોટાભાગે ઈવીએમ સહિતનું સાહિત્ય દરેક બુથ ઉપર પહોંચાડી દેવાયું છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન કરવામાં આવશે. મતદાનને લઈ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર મતદાનને લઈ સજ્જ જોવા મળી રહ્યું છે. શિયાળબેટ એક વિશિષ્ટ મહત્વ ધરાવતો ટાપુ છે, આવતી કાલે લોકસભા ચૂંટણીને લઈ ત્યાં પોલિંગ ટીમને બોટ મારફતે ટ્રાન્સપોર્ટ કરી છે. આ મતદાન મથક અનેરું મહત્વ ધરાવે છે આ માટે પીપાવાવ પોર્ટ ખાતે ૨ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળબેટમાં ૫ હજાર ૮૭ મતદારો નોંધાયેલા છે, ૫ બુથ છે. ઝોનલ ઓફિસર લાઈફ જેકેટ સાથે બોટ મારફતે ટાપુ પર પહોંચી ગયા છે. શિયાળબેટમાં વધુમાં વધુ આ વખતે મતદાન થશે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
૧૪-અમરેલી લોકસભાના નોંધાયેલા મતદારોની સંખ્યા
વિધાનસભા પુરુષ મહિલા થર્ડ જેન્ડર કુલ
૯૪-ધારી ૧૧પ૮૮૧ ૧૦૬૭૩પ ૬ રરરપ૮૧
૯પ-અમરેલી ૧૪પ૦૮પ ૧૩૬૭૮૧ ૩ ર૮૧૮૬૯
૯૬-લાઠી ૧૧૭ર૪૭ ૧૦૮૯૪૮ ૧ રર૬૧૯૬
૯૭-સાવરકુંડલા ૧૩૧૬૬ર ૧ર૧૩૭૭ ૧૬ રપ૩૦પપ
૯૮-રાજુલા ૧૪ર૭ર૮ ૧૩૩૭૮૯ ૦ ર૭૬પ૧૭
કુલ ૬પરપ૬ર ૬૦૭૬૩૦ ર૬ ૧ર૬૦ર૧૮
૯૯-મહુવા ૧ર૬૦ર૧ ૧૧૯૮ર૧ ૦ ર૪પ૮૪ર
૧૦૧-ગારીયાધાર ૧૧૭૦૮૩ ૧૦૯૬૬૭ ૦ રર૬૭પ૦
૧૪-અમરેલી કુલ ૮૯પ૬૬૬ ૮૩૭૧૧૮ ર૬ ૧૭૩ર૮૧૦