લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ત્રીજા તબક્કામાં અમરેલી સહિત રાજ્યની ૨૫ સીટો પર મતદાન થયું છે. અમરેલીમાં મતદાનની સાથે-સાથે ચૂંટણીની ચર્ચા જામી હતી. મતદાન માટે જાહેર રજા હોવાથી ચાની કિટલીઓ, પાનના ગલ્લાઓ, સોસાયટીના ચોક તથા સોશિયલ મીડિયામાં ચૂંટણી અંગેની જ ચર્ચાઓ ચાલી હતી. શું લાગે? કોણ જીતશે? જેવા સવાલો સાથે ચૂંટણી ચોરો જામ્યો હતો. સાથે જ મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયામાં લોકોએ સેલ્ફી શેર કરી હતી. અમરેલી સંસદીય બેઠક પર તા. ૭ મેના દિવસે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન પ્રક્રિયા ચાલી હતી. મતદાનની સાથે-સાથે ઠેર-ઠેર ચૂંટણીનો ચોરો જામ્યો હતો. અમરેલી લોકસભા બેઠક પર ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું હતું પરંતુ મતદાનને લઈ ચાની કિટલીઓ, પાનના ગલ્લાથી લઈ સોશિયલ મીડિયામાં ચૂંટણીની ચર્ચાઓ જામી હતી. મતદાન માટે જાહેર રજા હોવાથી મતદાન કર્યા બાદ અને ખાસ તો સાંજના સમયે શું લાગે છે? અમરેલીની સીટ કોણ જીતશે? તેવી ચર્ચાઓ જામી હતી. શહેરના રાજકમલ ચોક, ભીડભંજન ચોક, લાઠી રોડ, હીરામોતી ચોક સહિતના વિસ્તારોમાં ચાની દુકાનો તથા પાનના ગલ્લાઓ પર લોકો ચૂંટણીની ચર્ચા કરતા દેખાયા હતા તો વળી સોસાયટીઓમાં સાંજના સમયની બેઠકોમાં પણ ચૂંટણીની ચર્ચાઓ જામી હતી. અમરેલી લોકસભા બેઠક કોણ જીતશે? ગુજરાતમાં ભાજપ ૨૬માંથી ૨૬ બેઠકો જીતશે કે નહી? જેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. સાથે જ કેટલા ટકા મતદાન થયું તેના પર પણ દરેક નાગરિકોએ નજર રાખી હતી. સોશિયલ મીડિયામાં મતદાન કર્યા બાદ મોટાભાગના મતદારોએ પોતાની સેલ્ફીઓ શેર કરી હતી. તેમજ સોશિયલ મીડિયામાં જુદાં-જુદાં પ્લેટફોર્મ પર રાજકીય પાર્ટીઓના સમર્થકોના વાક્બાણ પણ જોવા મળ્યા હતા. જા કે સાંજ સુધીમાં અમરેલી લોકસભા બેઠકના આંકડા જાહેર થતા જ રાજકીય પક્ષોમાં સોપો પડી ગયો હતો. રાજ્યમાં મતદાનની ટકાવારીમાં અમરેલી છેલ્લે રહ્યું હતું.
આગેવાનો પક્ષપલટો કરીને પણ વધુ મતદાન કરાવી શક્યા નહી
અમરેલી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભળવા માટે આગેવાનોની હોડ લાગી હતી. કોંગ્રેસ અને આપના અસંખ્ય કાર્યકરો ભાજપમાં જાડાયા હતા. તો ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જાડાયા હતા પરંતુ જે રીતે પક્ષના આગેવાનોએ પક્ષપલટો કર્યો તેને જાતા ગત વખતની લોકસભાની ચૂંટણી કરતા આ લોકસભામાં પ% જેટલુ ઓછુ મતદાન નોંધાયુ હતું. ત્યારે મતદારોએ કોના પર વિશ્વાસ વ્યકત કર્યો છે તે આગામી તા.૪ જૂનના રોજ ખબર પડશે.